


- પ્રકાશોત્સવના ઇન્ડોર વિભાગમાં તૈયાર કરાયેલા ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ચાર પ્રાદેશિક ઝોનની કલાત્મક ઝાંખીને માણી.
રાજપીપળા/ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગરની મુલાકાત લઈને ‘એકતા પ્રકાશ પર્વ-2026’નું નિરીક્ષણ કર્યું હતું.
દીપોત્સવીના પર્વ અને રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ઉપલક્ષ્યમાં વડાપ્રધાનએ પ્રકાશોત્સવના ઇન્ડોર વિભાગમાં તૈયાર કરાયેલા ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ભારતના ચાર પ્રાદેશિક ઝોનની કલાત્મક પ્રસ્તુતિ નિહાળી હતી. આ વિભાગમાં ઉત્તર ભારતના રામમંદિર, હિમાલયની સંસ્કૃતિ તથા પંજાબ-રાજસ્થાનની લોકકલા, પૂર્વ ભારતના આસામના બિહુ, ઓડિશાના સ્થાપત્ય અને બંગાળની પરંપરા; પશ્ચિમ ભારતના ગુજરાતના ગરબા, રાણી કી વાવ, કચ્છી હસ્તકલા અને મહારાષ્ટ્રની સંસ્કૃતિ તેમજ દક્ષિણ ભારતના મીનાક્ષી મંદિર, હમ્પી અને કેરળની બોટ રેસ જેવી પ્રાદેશિક વિશિષ્ટતાઓને પ્રકાશના માધ્યમથી જીવંત કરવામાં આવી છે. તેમણે પરિસરમાં ફરીને દરેક કલાકૃતિ અને રોશનીના શણગારને રસપૂર્વક નિહાળ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આયોજિત પ્રકાશ પર્વના આઉટડોર વિભાગમાં 11 જેટલા વિવિધ સેક્શન હેઠળ ભારતીય જીવનમૂલ્યો અને સનાતન પરંપરાને રજૂ કરતી પ્રકાશ રચનાઓ ઊભી કરવામાં આવી છે. વડાપ્રધાનએ અહીં ‘ભારત - સોને કી ચીડિયા’, ‘સમય કા ચક્ર’, યોગ, દીપ સુરંગ, પ્રકાશિત પુષ્પો, રંગબેરંગી બલૂન અને વિવિધ પ્રકાશિત શિલ્પોની ઝાંખી માણી હતી.
નોંધનીય છે કે, વર્ષ 2025માં યોજાયેલા પ્રથમ પ્રકાશોત્સવને મળેલી અપ્રતિમ સફળતા બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સતત બીજા વર્ષે આ ભવ્ય આયોજન કર્યું છે. મુખ્યમંત્રીશ્રીના હસ્તે તાજેતરમાં જ ખુલ્લો મૂકવામાં આવેલા 91 દિવસના આ પ્રકાશોત્સમાં પ્રવાસીઓ, મુલાકાતીઓ 15 જાન્યુઆરી, 2027 સુધી દરરોજ સાંજે 6:30 થી 10:30 સુધી નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ