ડિંડોલી-પાંડેસરા બ્રિજના જોઈન્ટમાંથી નીકળી આગની જ્વાળાઓ, વાહનચાલકોમાં અફરાતફરી
સુરત, 30 ઓક્ટોબર (હિ.સ.): સુરતના ડિંડોલી-પાંડેસરા બ્રિજ પર મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. બ્રિજના રોડ જોઈન્ટમાંથી આગની ઊંચી જ્વાળાઓ નીકળતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રસ્તાની વચ્ચેથી આગ નીકળતી જોઈને લોકોમ
Flames Erupt from Dindoli-Pandesara Bridge Joint


સુરત, 30 ઓક્ટોબર (હિ.સ.): સુરતના ડિંડોલી-પાંડેસરા બ્રિજ પર મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. બ્રિજના રોડ જોઈન્ટમાંથી આગની ઊંચી જ્વાળાઓ નીકળતાં ત્યાંથી પસાર થતા વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રસ્તાની વચ્ચેથી આગ નીકળતી જોઈને લોકોમાં થોડીવાર માટે દોડધામ મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બ્રિજ પરની સ્ટ્રીટ લાઈટ માટે નાખવામાં આવેલા વીજ કેબલમાં ઓવરલોડિંગના કારણે વધુ પડતી ગરમી ઉત્પન્ન થઈ હતી. જેના કારણે કેબલમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. કેબલ બ્રિજના જોઈન્ટમાંથી પસાર થતો હોવાથી આગની જ્વાળાઓ રોડના જોઈન્ટમાંથી બહાર આવતી જોવા મળી હતી.

ઘટનાને પગલે ફાયર વિભાગે સુરત મહાનગરપાલિકાના લાઈટ વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ પાલિકાની ટીમે સ્થળ પર પહોંચીને બળી ગયેલો કેબલ દૂર કરી નવો કેબલ નાખવાની કામગીરી હાથ ધરી હતી. સમયસર ફાયર વિભાગ અને પાલિકાની ટીમે કાર્યવાહી કરતાં મોટી દુર્ઘટના ટળી હતી અને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ વાહનવ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande