નવાબંદર પોલીસની માનવતાભરી પહેલ: રખડતાં ઢોરને બાંધ્યા રેડિયમ બેલ્ટ
ગીર સોમનાથ 30 ઓક્ટોબર (હિ.સ.) : રાત્રિના અંધકારમાં વાહનચાલકોને ઢોર દૂરથી દેખાય અને અકસ્માતોની ઘટનાઓ અટકાવી શકાય તે હેતુથી નવાબંદર મરીન પોલીસની અનોખી કામગીરી નવાબંદર: રસ્તાઓ પર રખડતાં માલઢોરને કારણે ઘણી વખત વાહનચાલકોને અકસ્માતનો ભય રહેતો હોય છે. ખા
નવાબંદર પોલીસની માનવતાભરી પહેલ


ગીર સોમનાથ 30 ઓક્ટોબર (હિ.સ.) : રાત્રિના અંધકારમાં વાહનચાલકોને ઢોર દૂરથી દેખાય અને અકસ્માતોની ઘટનાઓ અટકાવી શકાય તે હેતુથી નવાબંદર મરીન પોલીસની અનોખી કામગીરી

નવાબંદર: રસ્તાઓ પર રખડતાં માલઢોરને કારણે ઘણી વખત વાહનચાલકોને અકસ્માતનો ભય રહેતો હોય છે. ખાસ કરીને રાત્રિના સમયે અંધકારમાં રસ્તા પર બેઠેલાં કે ફરતાં ઢોર સમયસર નજરે ન પડતાં અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે. આવી પરિસ્થિતિમાં વાહનચાલકોની સુરક્ષા વધારવા તેમજ અબોલ પશુઓને અકસ્માતથી બચાવવાના હેતુથી નવાબંદર મરીન પોલીસ દ્વારા માનવતાભરી અને પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે.

નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ., પી.એસ.આઈ. તથા પોલીસ સ્ટાફ દ્વારા નવાબંદર સહિત દેલવાડા, ઉના–દીવ રોડ અને નલિયા માંડવી–દેલવાડા સર્કલ વિસ્તારના માર્ગો પર રખડતાં ઢોરને રેડિયમ બેલ્ટ બાંધવાની કામગીરી કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો મુખ્ય હેતુ રાત્રિના અંધકારમાં રસ્તા પર બેઠેલાં કે ફરતાં ઢોર વાહનચાલકોને દૂરથી અને સમયસર દેખાય તે સુનિશ્ચિત કરવાનો છે. ઢોરના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવતાં વાહનોની લાઇટના પ્રકાશમાં તે વધુ સ્પષ્ટ રીતે દેખાઈ શકે છે, જેથી વાહનચાલકો સમયસર સાવચેતી રાખી શકે અને સંભવિત અકસ્માતો ટાળી શકાય.

આ પહેલથી એક તરફ માર્ગ પર અવરજવર કરતા વાહનચાલકોની સુરક્ષામાં વધારો થવાની આશા છે, તો બીજી તરફ નિર્દોષ અબોલ પશુઓને પણ માર્ગ અકસ્માતથી બચાવવામાં મદદ મળશે. સામાન્ય રીતે રખડતાં ઢોરની સમસ્યા માત્ર ટ્રાફિક વ્યવસ્થાને જ નહીં, પરંતુ પશુઓના જીવન માટે પણ જોખમ ઊભું કરે છે. ત્યારે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં માનવ સુરક્ષા સાથે પશુપ્રેમ અને જીવદયા પ્રત્યેની સંવેદનશીલતા પણ જોવા મળે છે.

નવાબંદર પોલીસની આ પહેલ સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની છે અને લોકો દ્વારા તેની સરાહના કરવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારીની સાથે જનસુરક્ષા તથા સામાજિક હિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી આવી કામગીરી અન્ય વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

રાત્રિના સમયે વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ

વાહનચાલકોએ ખાસ કરીને રાત્રિના સમયે વાહન ધીમે ચલાવવું, રસ્તા પર રખડતાં ઢોર દેખાય ત્યારે સાવચેતી રાખવી અને પોતાની સાથે અન્ય લોકો તથા અબોલ પશુઓની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

નવાબંદર પોલીસની આ માનવતાભરી પહેલથી માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ વધવાની સાથે રખડતાં ઢોરને અકસ્માતથી બચાવવાના પ્રયાસોને પણ પ્રોત્સાહન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande