
જામનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના ભીલડી ખાતેથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ૨૪મો હપ્તો રિલીઝ કરતા તેના ભાગરૂપે જામનગરના લેઉઆ પટેલ સમાજ ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ હતી. સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ડીબીટીના માધ્યમથી જામનગર જિલ્લાના ૧.૦૭ લાખથી વધુ ખેડૂત કુટુંબોના ખાતામાં રૂ.૨૧.૫૭ કરોડથી વધુની નાણાકીય સહાય જમા કરાવવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, હાલની અછતની પરિસ્થિતિમાં ખેડૂતોની મુશ્કેલીઓ ધ્યાને રાખી રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોને પીવાના પાણી તથા પશુધન માટે ઘાસચારાની પૂરતી વ્યવસ્થા મળી રહે તે માટે આગોતરું આયોજન હાથ ધરાયું છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આર્થિક આધારરૂપ બની રહી છે અને કૃષિ ક્ષેત્રને સુદૃઢ કરવા વિવિધ સહાય યોજનાઓ અમલી બનાવાઈ રહી છે.
આ ઉજવણી દરમિયાન જામનગર તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા અને પ્રગતિશીલ ૬ ખેડૂતોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં મેડી ગામના ભાલોડિયા લતાબેન, હર્ષદપુરના પટોળીયા ધીરજભાઈ, દડિયાના નંદા ભાવેશભાઈ, ઠેબાના સંઘાણી દિલીપભાઈ, મોડપરના કોઠીયા ભીમજીભાઈ અને લોઠીયાના વાદી ભીખુભાઈનો સમાવેશ થાય છે. ત્યારબાદ ઉપસ્થિત સૌએ બનાસકાંઠા ખાતે યોજાયેલા વડાપ્રધાનના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાં આ યોજના અંતર્ગત ૯.૩૪ કરોડ ખેડૂત કુટુંબોને રૂ.૧૮,૬૮૦ કરોડથી વધુ તથા ગુજરાતના ૫૨.૩૩ લાખ ખેડૂત કુટુંબોને રૂ.૧૦૫૧ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે. આ પ્રસંગે મેયર મોનીકાબેન વ્યાસ, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા પ્રભારી સચિવ હર્ષદ પટેલ, કલેક્ટર પી.બી.પંડ્યા, કમિશનર દીપેશ કેડિયા તથા ડીડીઓ નિશા સહિતના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt