ગુજરાતને મળી બે નવી રેલ સેવાઓની ભેટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ અને સાબરમતી–વારાણસી એક્સપ્રેસ રેલ સેવાઓનો શુભારંભ. - શ્રી બહુચર માતાજી અને શ્રી કાશી વિશ્વનાથ ધામના શ્રદ્ધાળુઓને મળશે સીધો લાભ. - ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. ગાંધીનગર, 30
ગુજરાતને મળી બે નવી રેલ સેવાઓની ભેટ


ગુજરાતને મળી બે નવી રેલ સેવાઓની ભેટ


- મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ અને સાબરમતી–વારાણસી એક્સપ્રેસ રેલ સેવાઓનો શુભારંભ.

- શ્રી બહુચર માતાજી અને શ્રી કાશી વિશ્વનાથ ધામના શ્રદ્ધાળુઓને મળશે સીધો લાભ.

- ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

ગાંધીનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) : યાત્રીઓને વધુ સારી રેલવે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા, પ્રાદેશિક રેલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવા તેમજ ધાર્મિક પ્રવાસન, ઔદ્યોગિક વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની દિશામાં ભારતીય રેલવે દ્વારા ગુજરાતને બે નવી રેલ સેવાઓની મહત્ત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 30 ઑક્ટોબર 2026ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ રેલ સેવા તેમજ સાબરમતી–વારાણસી એક્સપ્રેસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ બંને રેલ સેવાઓના શુભારંભથી ગુજરાતના મુસાફરોને આવનજાવન માટે વધુ સારી સુવિધા મળશે. સાથે જ શ્રી બહુચર માતાજી મંદિર અને શ્રી કાશી વિશ્વનાથ ધામનાં દર્શન માટે જતા શ્રદ્ધાળુઓને વિશેષ લાભ મળશે.

સાબરમતી રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓની ગરિમામય ઉપસ્થિતિ

સાબરમતી રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા શુભારંભ સમારોહમાં અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટ, સાંસદ રાજેશ શુક્લા, ધારાસભ્ય અમિતભાઈ શાહ, ડૉ. હર્ષદભાઈ પટેલ, જિતેન્દ્ર કુમાર પટેલ, ધારાસભ્ય કૌશિક જૈન, અમૂલ ભટ્ટ, ડૉ. હસમુખભાઈ પટેલ, દિનેશસિંહ કુશવાહ, ડૉ. પાયલબેન કુકરાણી, કંચનબેન રાદડિયા તથા અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ સહિત અન્ય જનપ્રતિનિધિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

બીજી તરફ, બેચરાજી રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ, બેચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલવે પ્રબંધક વેદ પ્રકાશ સહિત અન્ય જનપ્રતિનિધિઓ, રેલવે અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ઐતિહાસિક રેલવે માર્ગ પર ફરી શરૂ થઈ મુસાફર સેવા

અમદાવાદ મંડળના મંડળ રેલવે પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું હતું કે આ રેલવે માર્ગનું ઐતિહાસિક મહત્ત્વ છે. વર્ષ 1908માં વડોદરા રિયાસતના સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં રેલવે સેવા શરૂ થઈ હતી. ત્યારબાદ ગેજ પરિવર્તનના કાર્યને કારણે મીટરગેજ પર મુસાફર સેવાઓ બંધ થઈ ગઈ હતી.

ગેજ પરિવર્તનનું કાર્ય પૂર્ણ થયા બાદ આ રેલવે ખંડ પર માલગાડીઓનું સંચાલન કરવામાં આવતું હતું. હવે મુસાફર રેલ સેવાની શરૂઆત થવાથી વિસ્તારના નાગરિકોને ફરી એકવાર સુવિધાજનક રેલ પરિવહનનો વિકલ્પ ઉપલબ્ધ થયો છે.

શ્રદ્ધાળુઓ, ઔદ્યોગિક કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને મળશે લાભ

બેચરાજી ખાતે આવેલું પ્રસિદ્ધ શ્રી બહુચર માતાજી મંદિર ગુજરાતનાં મુખ્ય ધાર્મિક સ્થળોમાંનું એક છે. નવી મેમૂ રેલ સેવાના કારણે મંદિરે આવતા શ્રદ્ધાળુઓને સુવિધાજનક અને સસ્તી રેલ મુસાફરીનો વિકલ્પ મળશે.

આ ઉપરાંત, બેચરાજી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં, ખાસ કરીને હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી પ્લાન્ટ સહિત વિવિધ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓને પણ આવનજાવનમાં સુવિધા મળશે.

આ રેલ સેવા દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, નાના વેપારીઓ, દૂધ ઉત્પાદકો અને શાકભાજીના વેચાણકારો માટે પણ લાભદાયી સાબિત થશે.

સસ્તા ભાડાથી સામાન્ય મુસાફરોને રાહત

નવી મેમૂ રેલ સેવામાં મુસાફરો માટે સસ્તા ભાડાની વ્યવસ્થા કરવામાં આવી છે.

- સાબરમતીથી બેચરાજીનું ભાડું માત્ર ₹25

- સાબરમતીથી રણુંજનું ભાડું ₹30

- સાબરમતીથી મહેસાણાનું ભાડું ₹35

- સાબરમતી–બેચરાજી માસિક સીઝન ટિકિટ ₹355

- વિદ્યાર્થીઓ માટે માસિક સીઝન ટિકિટ ₹180

- મહત્તમ 60 કિલોગ્રામ સામાન સાથે મુસાફરી કરતા પાત્ર નાના વેપારીઓ, ખેડૂતો અને વેચાણકારો માટે માસિક સીઝન ટિકિટ ₹535

આ સુવિધાથી સ્થાનિક નાગરિકોને ઓછા ખર્ચે નિયમિત મુસાફરી કરવાની તક મળશે. સાથે જ નાના વેપારીઓ અને ખેડૂતોને પોતાનાં ઉત્પાદનો બજાર સુધી પહોંચાડવામાં પણ સરળતા રહેશે.

સાબરમતી–વારાણસી એક્સપ્રેસથી ત્રણ રાજ્યો વચ્ચે રેલ સંપર્ક વધુ મજબૂત બનશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી બીજી મહત્ત્વપૂર્ણ રેલ સેવા સાબરમતી–વારાણસી એક્સપ્રેસ છે. આ નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેનથી ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ સંપર્ક વધુ મજબૂત બનશે.

આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, ગાંધીનગર જયપુર, બાંદીકુઈ, માંડાવર મહવા રોડ, ખેડલી, નદબઈ, ભરતપુર, ઈદગાહ આગ્રા જંક્શન, ટુંડલા જંક્શન, ગોવિંદપુરી, સુબેદારગંજ અને મિર્ઝાપુર સહિતનાં મુખ્ય રેલવે સ્ટેશનો પર રોકાશે.

આ નવી રેલ સેવા વેપારીઓ, વિદ્યાર્થીઓ, નોકરીયાતો, પ્રવાસીઓ અને અન્ય મુસાફરોને લાંબા અંતરની મુસાફરી માટે વધુ એક સુવિધાજનક વિકલ્પ ઉપલબ્ધ કરાવશે.

શ્રી કાશી વિશ્વનાથ ધામના શ્રદ્ધાળુઓને મોટી ભેટ

સાબરમતી–વારાણસી એક્સપ્રેસના શુભારંભથી ગુજરાત અને રાજસ્થાનના શ્રદ્ધાળુઓને વારાણસી સુધી સીધો રેલવે સંપર્ક ઉપલબ્ધ થયો છે.

વારાણસી સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી કાશી વિશ્વનાથ ધામનાં દર્શન માટે દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. આ નવી રેલ સેવા શરૂ થવાથી ગુજરાત અને રાજસ્થાનના શ્રદ્ધાળુઓની ધાર્મિક યાત્રા વધુ સુગમ બનશે.

આ સાથે ધાર્મિક પ્રવાસન, સાંસ્કૃતિક આદાનપ્રદાન તેમજ પ્રવાસન સંબંધિત આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે.

આ પ્રસંગે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલવે પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું હતું કે,

“વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને બે નવી રેલ સેવાઓની ભેટ મળવી અત્યંત આનંદ અને ગૌરવની બાબત છે.

મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ રેલ સેવા દ્વારા ઐતિહાસિક રેલવે માર્ગ પર મુસાફર સેવાઓ ફરી શરૂ થઈ છે. તેનાથી શ્રી બહુચર માતાજી મંદિરના શ્રદ્ધાળુઓ, ઔદ્યોગિક કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, ખેડૂતો, નાના વેપારીઓ અને દૈનિક મુસાફરોને વિશેષ લાભ મળશે.

બીજી તરફ, સાબરમતી–વારાણસી એક્સપ્રેસ ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ વચ્ચે રેલ કનેક્ટિવિટીને મજબૂત બનાવવાની સાથે શ્રી કાશી વિશ્વનાથ ધામના શ્રદ્ધાળુઓ માટે સુવિધાજનક રેલ મુસાફરીનો નવો વિકલ્પ ઉપલબ્ધ કરાવશે.

અમદાવાદ મંડળ મુસાફરોને સુરક્ષિત, સુવિધાજનક, સસ્તી અને વધુ સારી રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રતિબદ્ધ છે.”

પ્રાદેશિક વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને મળશે પ્રોત્સાહન

બંને નવી રેલ સેવાઓનો શુભારંભ ગુજરાતના રેલવે નેટવર્કના વિસ્તરણ અને મુસાફર સુવિધાઓના સશક્તિકરણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

મહેસાણા–બેચરાજી–સાબરમતી મેમૂ સેવા સ્થાનિક આવનજાવન, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને પ્રાદેશિક વેપારને વેગ આપશે, જ્યારે સાબરમતી–વારાણસી એક્સપ્રેસ ત્રણ રાજ્યો વચ્ચે લાંબા અંતરની મુસાફરીને વધુ સુવિધાજનક બનાવશે.

આ બંને રેલ સેવાઓથી ધાર્મિક પ્રવાસન, વેપાર, રોજગાર અને સામાજિક-આર્થિક પ્રવૃત્તિઓને નવી ગતિ મળવાની અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande