જામજોધપુરમાં ૧૩ વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારનાર વાડી માલિકના પુત્રની ધરપકડ
જામનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) : જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની ૧૩ વર્ષીય સગીરા પર વાડી માલિકના પરિણીત પુત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ઘટના બાદ સગીરાએ વિષપાન કરી લેતા સમગ્ર પ્ર
દૂષ્કર્મ ની ઘટના


જામનગર, 30 ઓક્ટોબર (હિ.સ.) :

જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં વાડીમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારની ૧૩ વર્ષીય સગીરા પર વાડી માલિકના પરિણીત પુત્ર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ઘટના બાદ સગીરાએ વિષપાન કરી લેતા સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થયો હતો. બનાવ અંગે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરી અદાલતમાં રજૂ કર્યો હતો, જ્યાં તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ૧૩ વર્ષીય દીકરી વાડી વિસ્તારમાં નાહવા ગઈ હતી તે સમયે આ બનાવ બન્યો હતો. વાડી માલિકનો પુત્ર ત્યાં પહોંચી ગયો હતો અને સગીરાની મજબૂરી તથા એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાથી ભારે માનસિક આઘાતમાં સરી પડેલી સગીરાએ ઝેરી દવા પી લીધી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાંથી પોલીસને આ સમગ્ર મામલાની જાણ થઈ હતી.

હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી સગીરાની સ્થિતિને ધ્યાને લઈ તેની માતાએ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે પોક્સો (POCSO) સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરીને ત્વરિત તપાસ હાથ ધરી હતી. પોલીસે ગુનો નોંધાયાના માત્ર છ કલાકના ટૂંકા ગાળામાં જ આરોપી નિલેશ ભીખુભાઈ ડાંગરને ઝડપી લીધો હતો અને ઘટના સ્થળનું પંચનામું કરવા તથા આગળની પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી.

ઝડપાયેલો આરોપી નિલેશ ડાંગર ૨૮ વર્ષનો પરિણીત યુવક છે અને તેને બે સંતાનો પણ છે. પોલીસે આરોપીને અદાલતમાં રજૂ કરી સઘન પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરી હતી, જે ગ્રાહ્ય રાખી અદાલતે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. બીજી તરફ ભોગ બનનાર સગીરાનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું છે. જામજોધપુર પોલીસ ઇન્સ્પેક્ટર એન. એમ. શેખ આ સમગ્ર ગુનાની આગળની કાયદાકીય તપાસ ચલાવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande