
- આધાર સેવાને લગતી કોઈપણ પ્રકારની કામગીરી માટે હવે અરજદારોને અમદાવાદના ધક્કામાંથી મુક્તિ મળશે
ગીર સોમનાથ, 30 ઓક્ટોબર (હિ.સ.) : આધારકાર્ડ એ રોજબરોજના જીવનમાં ઉપયોગી બનતો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધારકાર્ડમાં કોઇપણ પ્રકારનો ફેરફાર કરવા માટે અત્યાર સુધી અમદાવાદ જવું પડતું હતું. પરંતુ, હવે વેરાવળમાં નવનિર્મિત આધાર સેવા કેન્દ્રનો શુભારંભ થયો છે. જેના કારણે જિલ્લાના નાગરિકો વેરાવળ ખાતેથી જ આ સુધારા-વધારા કરી શકશે. જેથી જિલ્લાના નાગરિકોને સમય, શક્તિ અને નાણાની બચત થશે.
આજે કલેકટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ વેરાવળ રેલવે સ્ટેશન પાસે આવેલ બિલ્ડીંગના પહેલા માળે દુકાન ૧૦૭ થી ૧૦૯માં આ નવીન આધાર સેવા કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો.
ભારત સરકાર દ્વારા સંચાલિત આધાર સેવા કેન્દ્રનો પ્રારંભ થવાની સાથે આધારકાર્ડને લગતી નવી આધાર નોંધણી, આધાર અપડેટ, બાયોમેટ્રિક અપડેટ, મોબાઈલ નંબર અપડેટ, વર્ચ્યુઅલ આઇડી સહિતની તમામ સેવાઓ આ કેન્દ્ર પરથી પ્રાપ્ત થશે. આ રીતે, નાગરિકોની વિશ્વસનીય આધારની ડિજિટલ સેવા વધુ સુદ્રઢ બનશે.
ખાસ મહત્વપૂર્ણ વાત એ છે કે, આ આધાર કેન્દ્ર ભારત સરકારની વર્ષ દરમિયાન આવતી ૧૨ રજા સિવાયના તમામ દિવસોએ ચાલુ રહેશે. રવિવારના દિવસે પણ આ કેન્દ્ર ખુલ્લુ રહેશે.
આ શુભારંભ અવસરે આધારના પ્રાદેશિક કાર્યાલય મુંબઇના વરિષ્ઠ અધિકારીઓ, કર્મચારીઓ અને વેરાવળના નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ