
નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને, ભારતીય કંપની સચિવ સંસ્થાન (આઈસીએસઆઈ) ના સ્થાપના દિવસ સમારોહમાં જણાવ્યું કે, સુશાસન રોકાણકારોના વિશ્વાસ અને જનવિશ્વાસને જાળવી રાખતું અદૃશ્ય માળખું છે. ટેકનોલોજી નિર્ણય લેવાની રીત બદલી શકે છે, પરંતુ પ્રામાણિકતા, જવાબદારી, પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ માનવીય જ રહેશે. તેમણે કંપની સચિવોને સુશાસનના પ્રહરી અને ભારતીય કંપનીઓના વિશ્વાસ તંત્રના કેન્દ્ર ગણાવ્યા.
ઉપરાષ્ટ્રપતિ રવિવારે અહીં ભારત મંડપમમાં ભારતીય કંપની સચિવ સંસ્થાન (આઈસીએસઆઈ) ના 58મા સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે સંસ્થાનના લગભગ છ દાયકાની યાત્રાની પ્રશંસા કરી અને પારદર્શક, નૈતિક તથા સમાવેશી કોર્પોરેટ સુશાસનને મજબૂત કરવામાં તેના યોગદાનની સરાહના કરી. કાર્યક્રમમાં આઈસીએસઆઈના અધ્યક્ષ સીએસ પવન ચંડક, રાજ્યસભાના પૂર્વ સભ્ય ડો. સોનલ માન સિંહ અને સંસ્થાનના સચિવ સીએસ આશિષ મોહન સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા.
તેમણે કહ્યું કે, સુશાસન નાગરિકોની સંભાળ અને જનવિશ્વાસના રક્ષણ માટે જરૂરી છે. લોકો જ્યારે કર ચૂકવે છે, ત્યારે જવાબદાર શાસનની અપેક્ષા રાખે છે. તેવી જ રીતે, રોકાણકારો ઈચ્છે છે કે કંપનીઓ બહેતર કોર્પોરેટ સુશાસન દ્વારા તેમના હિતોનું રક્ષણ કરે. ભારતીય કંપની સચિવ સંસ્થાન પરંપરાગત નિયમનકારી અનુપાલનથી આગળ વધીને સુશાસનને મજબૂત કરનારું મહત્વપૂર્ણ સંસ્થાન બની ગયું છે.
રાધાકૃષ્ણને જણાવ્યું કે, સંસ્થાનમાં આવેલો બદલાવ કંપની સચિવના વ્યવસાયના વિકાસને પણ દર્શાવે છે. આજે આ વ્યવસાય કોર્પોરેટ પારદર્શિતા, રોકાણકારોના વિશ્વાસ અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની સ્થિતિ મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે.
તેમણે કૃત્રિમ બુદ્ધિમત્તા, અદ્યતન ડેટા વિશ્લેષણ અને ઝડપથી બદલાતા વ્યવસાયિક મોડેલોના યુગનો ઉલ્લેખ કરતા કંપની સચિવોને કાનૂની, વ્યૂહાત્મક અને નૈતિક આધારને મજબૂત જાળવી રાખવા આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે, ટેકનોલોજી માહિતી તૈયાર કરવા અને નિર્ણયોમાં મદદ કરવાની રીત બદલી શકે છે, પરંતુ પ્રામાણિકતા, જવાબદારી, પારદર્શિતા અને ઉત્તરદાયિત્વની ભૂમિકા મનુષ્યની જ રહેશે.
રાધાકૃષ્ણને યુવાનો માટે આ વ્યવસાયમાં પ્રવેશના વધુ અવસરો ઊભા કરવાની જરૂરિયાત જણાવી. તેમણે ભારતીય કંપની સચિવ સંસ્થાનની ફી માફી સંબંધિત પહેલોની પ્રશંસા કરી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચ વધારવા આહ્વાન કર્યું. તેમણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે અનુપાલન કેલેન્ડર 2027 બહાર પાડ્યું. તેમણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો તથા નવા સાહસો માટે સંસ્થાનની પહેલોની પણ સરાહના કરી.
તેમણે શહીદની દીકરી પહેલ હેઠળ રાષ્ટ્રીય રક્ષા કોષ અને રક્ષા મંત્રાલયના સશસ્ત્ર સેના ઝંડા દિવસ કોષમાં ભારતીય કંપની સચિવ સંસ્થાનના યોગદાનની પણ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, જ્યારે નિયત સારી હોય છે, ત્યારે બધું જ સારું થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ