
નવી દિલ્હી, 04 ઓક્ટોબર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણનએ, ભગવાન મહાવીર સ્મૃતિ સમિતિ અને જૈન મહાસભાના મહાપર્વ ક્ષમાપના સમારોહમાં જણાવ્યું કે, ક્ષમા એ વેરવૃત્તિને બદલે સુધારણા, નફરતને બદલે સંવાદ અને શત્રુતાને બદલે મેળાપનો માર્ગ પસંદ કરવો છે. અહિંસા ફક્ત શારીરિક હિંસાનો અભાવ નથી, પરંતુ વિચાર, વાણી અને કર્મમાં હિંસાથી દૂર રહેવું પણ છે. ખરેખર, વિકસિત ભારતમાં નાગરિકો વચ્ચે વિશ્વાસ, પરિવારોમાં સંસ્કાર, યુવાનોમાં ચારિત્ર્ય અને સમાજમાં કરુણા હોવી જોઈએ.
ઉપરાષ્ટ્રપતિ રવિવારે અહીં વિજ્ઞાન ભવનમાં ભગવાન મહાવીર સ્મૃતિ સમિતિ અને જૈન મહાસભા દિલ્હી દ્વારા આયોજિત મહાપર્વ ક્ષમાપના સમારોહ-2026માં સામેલ થયા. કાર્યક્રમમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, ભગવાન મહાવીર સ્મૃતિ સમિતિના અધ્યક્ષ કનૈયાલાલ જૈન, જૈન મહાસભા દિલ્હીના અધ્યક્ષ દિનેશ દોશી, આચાર્ય વિશુદ્ધ સાગરજી મુનિરાજ, શ્રી જૈન તરુણ સમાજ ભગવાન મહાવીર સ્મૃતિ સમિતિના મહાસચિવ વિપિન જૈન, મુનિશ્રી ઉદિત કુમારજી, મુનિશ્રી તીર્થ નિર્વાણ વિજયજી અને ઉપાધ્યાય રવિન્દ્ર મુનિજી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ક્ષમાપના ફક્ત એક ધાર્મિક અનુષ્ઠાન નથી, પરંતુ મનુષ્યના હૃદયમાં પરિવર્તનનો અવસર છે. જૈન પરંપરાએ ક્ષમાને જે ઊંડાણપૂર્વક આધ્યાત્મિક સાધનામાં બદલી છે, તે આજે ભારત અને સમગ્ર માનવતા માટે પ્રાસંગિક છે. જૈન ધર્મે તમિલ સાહિત્ય અને સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જૈન વિદ્વાનો અને સાધુઓએ શાસ્ત્રીય તમિલ સાહિત્યના વિકાસમાં યોગદાન આપ્યું. તમિલનાડુમાં પ્રાચીન જૈન મંદિરો અને શિક્ષણ કેન્દ્રોની હાજરી પણ આ સંબંધને દર્શાવે છે.
તેમણે જૈન દર્શનના સાર્વભૌમિક સંદેશનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, બધા જીવો પ્રત્યે મૈત્રી અને કોઈના પ્રત્યે શત્રુતા ન રાખવાની ભાવના ભારતના ‘વસુધૈવ કુટુંબકમ્’ના સભ્યતાગત વિચાર સાથે જોડાયેલી છે. સંઘર્ષ અને હિંસાથી ઝઝૂમી રહેલી દુનિયામાં ભગવાન મહાવીરની શિક્ષાઓ શાંતિ, સંવાદ, સહ-અસ્તિત્વ અને કરુણાનો માર્ગ બતાવે છે.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ભગવાન મહાવીરે માનવતાને આંતરિક વિજયનો માર્ગ બતાવ્યો. વાસ્તવિક શક્તિ ક્રોધ, અસહિષ્ણુતા અને વેરવૃત્તિ પર વિજય મેળવવામાં છે. અહિંસાને ફક્ત શારીરિક હિંસા સાથે જોડવી ન જોઈએ. વિચાર, વાણી અને કર્મમાં હિંસાથી મુક્ત થવું પણ અહિંસાનો એક ભાગ છે.
તેમણે કહ્યું કે, ક્ષમાનો અર્થ અન્યાયને સ્વીકાર કરવો અથવા સત્ય સાથે સમાધાન કરવું નથી. ક્ષમાનો અર્થ વેરવૃત્તિને બદલે સુધારણા, નફરતને બદલે સંવાદ અને શત્રુતાને બદલે મેળાપનો માર્ગ પસંદ કરવો છે. પ્રતિક્રમણની ભાવના વ્યક્તિ અને પરિવારોને પોતાની ભૂલો સ્વીકારવામાં તથા વિવાદોના સમાધાનમાં મદદ કરી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ