
સુરત, 05 ઓક્ટોબર (હિ.સ.) : કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અંતર્ગત કાર્યરત ગુજકોસ્ટ, ગાંધીનગરની પ્રેરણાથી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, તાપી-સુરત શહેરના સંયુક્ત ઉપક્રમે નાનપુરા સ્થિત જીવનભારતી શાળા ખાતે જિલ્લા કક્ષાની 32મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ-2026 યોજાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તેજસ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિદ્યાર્થીઓની ઉત્સુકતા અને જિજ્ઞાસા જ તેમને ભવિષ્યમાં સફળ સંશોધક બનવા માટે પ્રેરિત કરે છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાની જિજ્ઞાસા સતત જીવંત રાખવા તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિષયની ઊંડી સમજ કેળવવા અનુરોધ કર્યો હતો.
આ વર્ષે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં સુરત શહેર ઉપરાંત સુરત અને તાપી જિલ્લાના 16 તાલુકાની પસંદગી પામેલી શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ 100 જેટલા વિજ્ઞાન પ્રોજેક્ટ રજૂ કર્યા હતા.
‘સુસ્થાયી ભવિષ્ય માટે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી’ મુખ્ય વિષય હેઠળ વિવિધ પેટા વિષયો પર વિદ્યાર્થીઓએ સંશોધનાત્મક પ્રોજેક્ટ અને વૈજ્ઞાનિક કૃતિઓ તૈયાર કરી હતી.
દરેક થીમમાંથી શ્રેષ્ઠ બે પ્રોજેક્ટની પસંદગી કરીને તેમને એવોર્ડ આપવામાં આવશે. પસંદગી પામેલા બાળ વૈજ્ઞાનિકોને ગુજકોસ્ટ, ગાંધીનગર દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં મોકલવામાં આવશે, જ્યાં તેઓ સુરત અને તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
કાર્યક્રમમાં સુરત-તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના ડિરેક્ટર કેતન શાહ, રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદના જિલ્લા સંયોજક ભૂમિલ શાહ, જીવનભારતી મંડળના મંત્રી અજીત શાહ અને મયંક ત્રિવેદી, તાજપોર એન્જિનિયરિંગ કોલેજના નિર્ણાયકો, વિવિધ શાળાના શિક્ષકો, વિજ્ઞાનપ્રેમીઓ અને બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે