સિદ્ધપુર સેવા સેતુ વચ્ચે મહેસૂલી કર્મચારીઓની હડતાળથી અરજદારો હેરાન-પરેશાન
પાટણ, 05 ઓક્ટોબર (હિ.સ.) રેવન્યુ તલાટી, કારકૂન સહિતના કર્મચારીઓ માસ સીએલ પર; પ્રમાણપત્રો અને સરકારી કામગીરી માટે ધક્કા ખાતા અરજદારો સિદ્ધપુર તાલુકામાં 23 સપ્ટેમ્બરથી ચાલી રહેલા સેવા સેતુ કાર્યક્રમ વચ્ચે મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરતાં સરકાર
સિદ્ધપુર સેવા સેતુ વચ્ચે મહેસૂલી કર્મચારીઓની હડતાળથી અરજદારો હેરાન-પરેશાન


સિદ્ધપુર સેવા સેતુ વચ્ચે મહેસૂલી કર્મચારીઓની હડતાળથી અરજદારો હેરાન-પરેશાન


સિદ્ધપુર સેવા સેતુ વચ્ચે મહેસૂલી કર્મચારીઓની હડતાળથી અરજદારો હેરાન-પરેશાન


પાટણ, 05 ઓક્ટોબર (હિ.સ.) રેવન્યુ તલાટી, કારકૂન સહિતના કર્મચારીઓ માસ સીએલ પર; પ્રમાણપત્રો અને સરકારી કામગીરી માટે ધક્કા ખાતા અરજદારો

સિદ્ધપુર તાલુકામાં 23 સપ્ટેમ્બરથી ચાલી રહેલા સેવા સેતુ કાર્યક્રમ વચ્ચે મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ પર ઉતરતાં સરકારી કચેરીઓની કામગીરી પર સીધી અસર પડી છે. પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી, કારકૂન અને નાયબ મામલતદાર સહિતના કર્મચારીઓ હડતાળ પર હોવાથી રોજિંદી મહેસૂલી કામગીરી ખોરવાઈ છે.

કચેરીઓમાં જરૂરી કામકાજ માટે આવતા અરજદારોને એક કામ માટે વારંવાર કચેરીના ધક્કા ખાવાની સ્થિતિ સર્જાઈ છે. વિદ્યાર્થીઓને જરૂરી પ્રમાણપત્રો મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે, જ્યારે રેશનકાર્ડ સહિતની કામગીરી માટે આવતા લાભાર્થીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર કામગીરી ન થતાં કેટલાક અરજદારોના અભ્યાસ, સરકારી યોજનાઓના લાભ અને અન્ય જરૂરી કામો પર અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

દૂરના ગામડાઓમાંથી મુસાફરી કરીને કચેરીએ પહોંચતા અરજદારોને કર્મચારીઓ ઉપલબ્ધ ન હોવાથી સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે. એક તરફ સેવા સેતુના માધ્યમથી લોકોને સરકારી સેવાઓ સરળતાથી મળી રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ મહેસૂલી કર્મચારીઓની હડતાળને કારણે અરજદારોને સરકારી સેવાઓ મેળવવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

રાજ્ય મહેસૂલી મહામંડળના આદેશ બાદ પડતર માંગણીઓના ઉકેલની માગ સાથે કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. કર્મચારીઓની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આગામી 7મી તારીખથી અનિશ્ચિતકાલીન હડતાળ પર જવાની ચીમકી આપવામાં આવી છે.

હવે અરજદારોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી જરૂરી પ્રમાણપત્રો અને મહેસૂલી સેવાઓની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે, તેવી માગ ઉઠી રહી છે. કર્મચારીઓ અને સરકાર વચ્ચેનો વિવાદ વહેલી તકે ઉકેલાય અને સામાન્ય નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી રાહત મળે તે જરૂરી બન્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande