
રાજકોટ, 05 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના બાબરિયા કોલોની શેરી નંબર ૦૧ પાસે આવેલા પરમેશ્વર સોસાયટી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જૂની અદાવતની શંકાના આધારે બે પડોશી પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક ધીંગાણું ખેલાયું હતું. મામલો એટલી હદે બિચક્યો હતો કે બંને પક્ષના લોકો લોખંડના પાઇપ, ઇંટો અને વજનકાંટા જેવા હથિયારો સાથે સામસામે આવી ગયા હતા.
આ લોહીયાળ અથડામણમાં પુરુષો અને મહિલાઓ સહિત ચારથી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા હતા, જેમને ત્વરિત સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનના PSI જે. બી. રાણીંગા દ્વારા બંને પક્ષોની સામસામે ક્રોસ ફરિયાદ નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટનાની વિગત મુજબ પ્રથમ ફરિયાદ પારસભાઈ રમેશભાઈ ડાભી નામના મજૂર યુવકે નોંધાવી છે, જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે હરેશભાઈ પુંજાભાઈ સમેસા, પુંજાભાઈ લાલુભાઈ સમેસા, પારસભાઈ સમેસા, રવીભાઈ સમેસા, કિશનભાઈ, કેશરબેન અને શોભનાબેન વાજેલીયા સહિતના લોકોએ એકસંપ થઈને તેમના ઘર પાસે આવી ઝઘડો કર્યો હતો.
આ દરમિયાન હરેશભાઈએ લોખંડના પાઇપ વડે પારસભાઈના ડાબા કાન પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ ઉપરાંત હુમલાખોરોએ પારસભાઈની માતા રેખાબેન અને બહેન કાજલબેનના માથામાં લોખંડના પાઇપ મારી લોહીલુહાણ કરી દીધા હતા, જ્યારે શોભનાબેને નાક અને માથા પર ઇંટથી ફટકા માર્યા હતા અને પુંજાભાઈએ ભાઈ અજયભાઈના ડાબા હાથના કાંડા પર પાઇપ ફટકાર્યો હતો.
સામા પક્ષેથી શોભનાબેન વાજેલીયાએ નોંધાવેલી ક્રોસ ફરિયાદમાં જણાવાયું છે કે, પારસભાઈ ડાભીએ તેમના ઘર પાસે આવી ઝઘડો કરી ભાઈ હરેશભાઈના માથામાં લોખંડનો વજનકાંટો મારી ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ જ્યારે તેઓ આ મામલે વાતચીત કરવા પારસભાઈના ઘરે ગયા, ત્યારે અજયભાઈ ડાભી, રેખાબેન ડાભી, આરતીબેન ડાભી અને કાજલબેન ડાભીએ ફરી હુમલો કર્યો હતો. જેમાં અજયભાઈએ લોખંડનો પાઇપ શોભનાબેનના પિતા પુંજાભાઈના માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી હતી તેમજ મહિલાઓએ શોભનાબેન અને તેમના માતા કેશરબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો. હાલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt