

ગાંધીનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત ભાજપાના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચુગની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજાઈ હતી.પ્રદેશ સહ પ્રભારી અજય મહાવરજી, સહ પ્રભારી ગોમતી સાઈજી, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, પ્રદેશ સહ સંગઠન મહામંત્રી અરુણ બિન્નાડીજી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષા દોશી, રાષ્ટ્રીય મંત્રી રોહન ગુપ્તા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આજની પ્રદેશ બેઠકમાં ભાજપા પ્રદેશ પ્રભારી તરુણ ચુગજી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ વિવિધ સંગઠનાત્મક વિષયો તથા સંગઠનના આગામી કાર્યક્રમોના સુચારુ સંચાલન સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તથા દેશના પ્રધાનમંત્રી તરીકે 7 ઓક્ટોબરે જાહેરસેવાના અવિરત 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત 7 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 25 વર્ષની અવિરત જનસેવા અને સુશાસનની યાત્રા પ્રત્યે કૃતજ્ઞતા અને સ્નેહ વ્યક્ત કરવા ગુજરાત સહિત સમગ્ર દેશના તમામ જિલ્લા તથા મહાનગરોમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા‘ યોજાનાર છે તેના સુચારુ આયોજન સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 9.00 કલાકે વર્ચ્યુઅલ સંબોધન કરી ‘વિકસિત ભારત @ 2047’નો સામૂહિક સંકલ્પ લેવડાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન પૂર્વે ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ સંબોધન કરશે. ગુજરાતના તમામ જિલ્લા મહાનગરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનનું સેવા જ્યોતિ કળશ યાત્રાના પ્રસ્થાન સ્થળે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન બાદ સ્થાનિક અગ્રણીઓ દ્વારા સેવા જ્યોત પ્રજ્જવલિત કરવામાં આવશે. ત્યારબાદ ‘સેવા જ્યોતિ કળશ યાત્રા‘ નો પ્રારંભ થશે. રાજ્યભરમાં યોજાનારી ‘સેવા જ્યોતિ કળશ યાત્રા‘ માં ભાજપા સંગઠનના પદાધિકારીઓ, ચુંટાયેલા જનપ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો જોડાશે.
બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારની તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દિશાદર્શન હેઠળની રાજ્યની ભાજપા સરકારની વિકાસ, જનસેવા, જનસુવિધાને કેન્દ્રમાં રાખી કરવામાં આવેલી જનહિતલક્ષી કામગીરી અને અનેકવિધ લોકકલ્યાણની યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચાડવાનું કાર્ય અવિરતપણે ચાલુ રાખવા ઉપસ્થિત સૌને આહવાન કરવામાં આવ્યું હતું. પ્રદેશ સહ પ્રભારીઓ તથા પ્રદેશ સહ સંગઠન મહામંત્રીની નિયુક્તિ બાદ આજે પરિચય બેઠક યોજાઇ હતી.
પ્રદેશ બેઠકમાં યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. હેમાંગ જોષી, પ્રદેશ મહામંત્રીઓ અનિરૂદ્ધ દવે, ડૉ. પ્રશાંત કોરાટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ પદાધિકારીઓ, જિલ્લા-મહાનગરના પ્રમુખઓ તથા પ્રભારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ