
ગીર સોમનાથ, 05 ઓક્ટોબર (હિ.સ.) : સમાવેશી શિક્ષણને પ્રોત્સાહન આપવા અને પાયાના સ્તરે શાળાકીય શિક્ષણને મજબૂત બનાવવામાં શાળા વ્યવસ્થાપન સમિતિ અગત્યનો ભાગ ભજવે છે. વેરાવળની સરકારી બોય્ઝ હાઈસ્કૂલ ખાતે શાળા વ્યવસ્થાપન સમિતિની એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં શૈક્ષણિક ગુણવત્તા અને વિકાસ, માળખાકિય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે વાલીઓના માર્ગદર્શન અને સૂચનો માંગવામાં આવ્યાં હતાં.
સરકારી વકીલ કેતનસિંહ વાળા દ્વારા શાળાના વિકાસમાં કાયદાકિય અને જરુરી સામાજિક સહયોગ આપવા અનુરોધ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે, વાલીઓ-શિક્ષકો અને સમુદાયના સભ્યોને એકસાથે લાવીને એસ.એમ.સી. શાળાઓને અધ્યયન પરિણામોમાં સુધારો કરવા અને શાળાકીય કાર્યોને પ્રોત્સાહન આપવામાં સહાય પૂરી પાડે છે.
આ બેઠકમાં આચાર્ય વી.બી.ખાંભલા, એસ.એમ.સી.ના અધ્યક્ષ ચંપાબહેન વૈષ્ણવ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરિક્ષક સંજય ડોડિયા, જિલ્લાના સરકારી વકીલ કેતનસિંહ વાળા, શિક્ષણવિદ મનસુખ સુયાણી, નગરપાલિકાના સભ્ય ગીતા પરમાર, સમાજ સેવક મુકેશ ચોલેરા તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ