
તેહરાન, નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) ઈરાને સ્ટારલિંક ઓપરેશન્સને લઈને નોર્વેના રાજદૂતને તલબ કર્યા છે. આ પગલું ઈરાનના કેટલાક ભાગોમાં પરવાનગી વિના ચાલી રહેલા સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ ઓપરેશન્સ પર, ઓસ્લોની સતત કોઈ કાર્યવાહી ન કરવાની નીતિના વિરોધમાં ઉઠાવવામાં આવ્યું છે.
અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, ઈરાનના સરકારી પ્રેસ ટીવીએ જાહેર કરેલા વિવરણમાં જણાવ્યું કે, ઈરાનના વિદેશ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ હસનનેઝાદ પિરકુહીએ રવિવારે રાજદૂત પાલ બ્યોર્નસ્ટેડને બોલાવીને વિરોધનો સત્તાવાર નોટ સોંપ્યો. પિરકુહીએ અમેરિકા અને ઇઝરાયેલ પર આરોપ લગાવ્યો કે, તેઓ સ્ટારલિંકનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ હસ્તક્ષેપ કરનારા એજન્ડાને આગળ વધારવા માટે સુનિયોજિત રીતે દુરુપયોગ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, સ્ટારલિંકનો સંબંધ અમેરિકી અબજોપતિ એલન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે છે.
તેમણે કહ્યું કે, નોર્વે સંયુક્ત રાષ્ટ્રના ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયનમાં સ્ટારલિંક સેવાઓ માટે રજિસ્ટર કરનારા દેશ તરીકે પોતાની કાનૂની જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળ રહ્યું છે. તેમણે કહ્યું,નોર્વે સરકારની આ જવાબદારી છે કે, તે ઈરાની વિસ્તારમાં પરવાનગી વિના સ્ટારલિંક ટ્રાન્સમિશનને રોકવા માટે જરૂરી પગલાં ભરે. તેમણે કહ્યું કે, નોર્વેએ ઈરાનની વિનંતીઓને અવગણી છે. આનાથી ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા અને પ્રાદેશિક સાર્વભૌમત્વ માટે ખતરો વધી ગયો.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ