





કચ્છ, 05 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના મુન્દ્રા તાલુકાના પ્રાગપર ગામે આશાપુરા મંદિર પરિસરમાં પ્રાકૃતિક કૃષિ અંગે મહત્વપૂર્ણ પરિસંવાદ યોજાયો હતો. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. આત્મા કચેરી અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીના ફાયદા, જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો અને ખેતી ખર્ચ ઘટાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખેડૂતોને સંબોધતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ રાસાયણિક ખેતીના લાંબા સમયના ઉપયોગથી જમીનની ગુણવત્તા તથા પર્યાવરણ પર થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જમીનમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓને ખેતી માટે અત્યંત ઉપયોગી ગણાવી પ્રાકૃતિક પદ્ધતિઓ દ્વારા જમીનની જીવંતતા પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમના જણાવ્યા મુજબ, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરીને ખેતીનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને એકાએક સંપૂર્ણ પદ્ધતિ બદલવાને બદલે શરૂઆતમાં પોતાની જમીનના આશરે 25 ટકા વિસ્તારમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરવાની સલાહ આપી હતી. પ્રયોગના પરિણામો જાતે અનુભવ્યા બાદ ખેડૂતો ધીમે ધીમે સમગ્ર ખેતીમાં આ પદ્ધતિ અપનાવી શકે તેવી તેમણે વાત કરી હતી. સાથે જ પ્રાકૃતિક કૃષિની વિનામૂલ્યે તાલીમ મેળવી તાલુકા સ્તરે આવેલા મોડેલ ફાર્મની મુલાકાત લેવા પણ અનુરોધ કર્યો હતો.
પ્રાકૃતિક ખેતીને આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાથે જોડતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે સ્વસ્થ જમીન, શુદ્ધ હવા અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ઉત્પાદન માટે કુદરત આધારિત ખેતી તરફ આગળ વધવું જરૂરી છે. તેમણે હરિયાણાના કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુલમાં પ્રાકૃતિક ખેતીના અનુભવો પણ ખેડૂતો સમક્ષ રજૂ કર્યા હતા.
આ પ્રસંગે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ કચ્છના ખેડૂતોની મહેનત અને નવી ખેતી પદ્ધતિઓ અપનાવવાની ક્ષમતાનો ઉલ્લેખ કરી પ્રાકૃતિક કૃષિને આર્થિક અને આરોગ્યલક્ષી દૃષ્ટિએ મહત્વપૂર્ણ ગણાવી હતી. પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત જીવરાજભાઈ ગઢવી અને દિનેશભાઈ વાલાણીએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. ચાર જેટલા ખેડૂતોનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા સ્તરના પદાધિકારીઓ, અધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar