
મહેસાણા, 05 ઓક્ટોબર (હિ.સ.) : મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલાવાસણા બ્રિજના છેડેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે કિયા સેલ્ટોસ કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂની કુલ 2,588 બોટલ, કાર અને 2 મોબાઇલ સહિત કુલ ₹20.48 લાખનો મુદ્દામાલ કબજે કરી બે પરપ્રાંતીય શખ્સોને ઝડપી પાડ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ, LCBને બાતમી મળી હતી કે સફેદ રંગની કિયા સેલ્ટોસ કાર નંબર GJ-08-DJ-1689માં દારૂનો જથ્થો ભરી પાલનપુર તરફથી અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે PSI બી.વી. વાઘેલાની ટીમે પાલાવાસણા બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કારને રોકી તપાસ કરતાં તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 56 પેટી અને છૂટક બોટલો મળી કુલ 2,588 બોટલ જપ્ત કરી હતી. દારૂનો જથ્થો 534.24 લિટર હોવાનું અને તેની કિંમત ₹10,18,308 હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઉપરાંત ₹10 લાખની કિયા સેલ્ટોસ કાર અને ₹30 હજારના 2 મોબાઇલ પણ કબજે કરાયા છે.
આ મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR