

પોરબંદર, 05 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર તાલુકાના ભોગાતથી રાણાવાવ તરફ જતી જેટકોની 220 કે.વી. વીજ લાઇનના વળતર મુદ્દે પોરબંદરના આશરે 10 ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. શીશલી, શીંગડા, ફટાણા, ખાંભોદર, નટવરનગર, વાછોડા, વિંઝરાણા, કાટવાણા સહિતના ગામોના ખેડૂતો દ્વારા વીજ લાઇનના વળતર તથા MRC કમિટીની કામગીરી અંગે વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી.
ખેડૂતોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના તા. 4 જુલાઈ 2026ના ઠરાવ મુજબ
માર્કેટ રેટ કમિટી (MRC)ની રચનાઅને વળતર ચૂકવણીની પ્રક્રિયામાં ખેડૂતો પાસેથી નિર્ધારિત પરિશિષ્ટ-અ મુજબ લેખિત બાંહેધરી લેવાની જોગવાઈ છે. જોકે, જેટકો દ્વારા નિયુક્ત અધિકારીઓ અને કર્મચારીઓએ કેટલાક ગામોમાં ખેડૂતો પાસેથી નિર્ધારિત સંમતિપત્રક પર સહી કરાવવાના બદલે માત્ર ખેડૂતોના નામ ધરાવતા કોરા લિસ્ટમાં સહીઓ લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે
બાદમાં આ સહીઓનો ઉપયોગ કરી સંમતિપત્રક તૈયાર કરવામાં આવ્યા છે. કેટલાક અક્ષરજ્ઞાન ન ધરાવતા ખેડૂતોની સહીઓ પણ અધિકારીઓ દ્વારા પોતાની રીતે
કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરી સમગ્ર મામલે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આવા સંમતિપત્રો કલેક્ટર કચેરીમાં
રજૂકરવામાં આવ્યા હોવાનો પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
અસરગ્રસ્ત ખેડૂતોએ MRC કમિટીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ જ્યાં સુધી
જેતપુરના ખેડૂતોના આંદોલનની માંગણીઓનો સરકારદ્વારા નક્કર ઉકેલ લાવવામાં ન આવે અને ત્યાં ચાલી રહેલા આંદોલન અંગે નિર્ણયન લેવાય ત્યાં સુધી તેઓ MRC કમિટીમાં જોડાશે નહીં. સાથે જ આવેદન આપનારા ખેડૂતોને ટેલિગ્રાફ એક્ટની કલમ 10(ડી)હેઠળની નોટિસની બજવણી ન કરવા પણ જિલ્લા તંત્રને વિનંતી કરવામાં આવી છે.
ખેડૂતો દ્વારા ખેતરની જમીન પરથી વીજતાર પસાર થતો હોય તેવા કિસ્સામાં બજાર કિંમતના 400 ટકા મુજબ વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું
છે કે વીજલાઇનના કારણે ખેતીની જમીનના ઉપયોગ, પાક ઉત્પાદન અને ભવિષ્યના ઉપયોગ પર અસર થતી હોવાથી યોગ્ય અને ન્યાય સંગત વળતર મળવું જોઈએ.આઉપરાંત ખેડૂતોની મંજૂરી વિના લેવાયેલી સહીઓ અંગે તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા, MRC કમિટીની પ્રક્રિયા અંગે ખેડૂતોની
રજૂઆતો ધ્યાનમાં લેવા અને વળતર બાબતે યોગ્ય નિર્ણય લેવા જિલ્લા તંત્ર સમક્ષ માંગ
કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya