
મુંબઈ, નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)ની ત્રણ દિવસીય દ્વિમાસિક નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની સમીક્ષા બેઠક સોમવારથી શરૂ થઈ ગઈ છે. આર્થિક બાબતોના નિષ્ણાતોએ આ વખતે નીતિગત વ્યાજ દર રેપો રેટમાં 0.25 ટકા સુધીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે.
રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં, મુંબઈમાં આ સમીક્ષા બેઠક 5 થી 7 ઓક્ટોબર સુધી ચાલશે. આ પછી સંજય મલ્હોત્રા 7 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે એમપીસીના નાણાકીય નીતિના નિર્ણયની જાણકારી આપશે. બેઠકમાં મોંઘવારી, આર્થિક ગતિવિધિઓ અને નીતિગત વ્યાજ દરો (રેપો રેટ)ની સ્થિતિની સમીક્ષા થશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતો અને મોંઘવારીના જોખમો વચ્ચે આ વખતે નીતિગત વ્યાજ દરોમાં વધારાની પૂરી સંભાવના દેખાઈ રહી છે.
અર્થશાસ્ત્રીઓ અને બેંક અધિકારીઓનું માનવું છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટના ફરીથી ઘેરાવાને કારણે સર્જાયેલા ફુગાવાના દબાણ વચ્ચે રિઝર્વ બેંક ઓક્ટોબર મહિનાની નાણાકીય નીતિની સમીક્ષામાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે. આ પહેલા બ્રોકરેજ ફર્મ નોમુરાએ ઓક્ટોબર-ડિસેમ્બરની નાણાકીય સમીક્ષાની બેઠકોમાં નીતિગત દર રેપો રેટમાં 0.25-0.25 ટકા સુધીના વધારાનો અંદાજ વ્યક્ત કર્યો છે.
આરબીઆઈએ ઓગસ્ટમાં યોજાયેલી અગાઉની એમપીસી બેઠકમાં રેપો રેટને 5.25 ટકા પર યથાવત રાખ્યો હતો. વર્ષ 2025માં રેપો રેટમાં કુલ 1.25 ટકાનો ઘટાડો કર્યા પછી કેન્દ્રીય બેંકે અગાઉની ચાર સતત બેઠકોમાં રેપો રેટને 5.25 ટકા પર સ્થિર રાખ્યો હતો. જોકે, હવે વૈશ્વિક અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિઓને કારણે વર્ષ 2023 પછી પ્રથમ વખત નીતિગત વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટ્સનો વધારો થવાના મજબૂત સંકેતો મળી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનીત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ