રાજકોટ : કૌભાંડી અલ્પેશ દોંગાએ સણોસરાના ખેડૂતને 9 લાખનું ધિરાણ આપી 1 કરોડ માંગ્યા
રાજકોટ,05 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટમાં બોગસ સહકારી મંડળી બનાવી જરૂરિયાતમંદ ખેડૂતોને સરળ લોનની લોભામણી જાળમાં ફસાવી તેમની કરોડોની કિંમતી જમીનો હડપ કરનારા મુખ્ય સૂત્રધાર અલ્પેશ દોંગા અને તેના સાગરીતો સામે પોલીસનો શિકંજો વધુ મજબૂત બન્યો છે. સણોસરા ગામના
છેતરપિંડી-ઠગાઈ પ્રકરણમાં વધુ બે આરોપીની ધરપકડ


રાજકોટ,05 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટમાં બોગસ સહકારી મંડળી બનાવી જરૂરિયાતમંદ ખેડૂતોને સરળ લોનની લોભામણી જાળમાં ફસાવી તેમની કરોડોની કિંમતી જમીનો હડપ કરનારા મુખ્ય સૂત્રધાર અલ્પેશ દોંગા અને તેના સાગરીતો સામે પોલીસનો શિકંજો વધુ મજબૂત બન્યો છે. સણોસરા ગામના એક માલધારી ખેડૂત પાસેથી વ્યાજ અને મૂળ રકમ ચૂકવાઈ ગયા હોવા છતાં દસ્તાવેજ રદ કરવા માટે 1 કરોડની ઉઘાડી લૂંટ ચલાવવા અંગે ગુનો નોંધાતા આ કૌભાંડી સામે ફરિયાદોનો આંક 14 પર પહોંચ્યો છે.

ઘટનાની વિગતો અનુસાર, રાજકોટ તાલુકાના સણોસરા ગામે રહેતા માલધારી ખેડૂત લાલજી મેપાભાઈ ફાંગલીયાને પોતાના પશુપાલન વ્યવસાય અર્થે ઢોરનો તબેલો બનાવવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. તેમની માલિકીની ખોરાણા ગામની જમીન પર અગાઉથી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી 15 લાખનું ધિરાણ ચાલુ હોવાથી અને 7/12 ના ઉતારામાં બોજો નોંધાયેલો હોવાથી અન્ય કોઈ કાયદેસરની બેંક કે મંડળીમાંથી નવી લોન મળે તેમ નહોતી. ખેડૂતની આ મજબૂરીનો લાભ ઉઠાવવા માટે કૌભાંડી ટોળકીએ અગાઉથી જ કાવતરું ઘડી રાખ્યું હતું.

આરોપી અલ્પેશ ગોપાલઈ દોંગાએ વર્ષ 2012 માં 'શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળી લીમીટેડ' નામે એક બોગસ મંડળી ઊભી કરી હતી. આ મંડળીની નોંધણી મેળવવા માટે તેણે પોતાના પરિચિત 10 લોકોની જાણ બહાર તેમના નામે બનાવટી દસ્તાવેજો રજૂ કરી બોગસ સહીઓ કરી હતી. નાણાં ધીરધારનું કાયદેસરનું લાયસન્સ ન હોવા છતાં, સોશિયલ મીડિયા પર જાહેરાતો આપીને અને આકર્ષક કાર્યક્રમો યોજીને જરૂરિયાતમંદ ખેડૂતોને જાળમાં ફસાવવામાં આવતા હતા. મંડળીમાં સહકારી નિયમોનું પાલન કર્યા વિના કે પાકી પહોંચ આપ્યા વિના નાણાકીય વ્યવહારો ચલાવવામાં આવતા હતા.

ફરિયાદી લાલજીભાઈએ લોન માટે સંપર્ક કરતા અલ્પેશે પોતાના મુખ્ય રોકાણકાર જીતેન્દ્ર મનસુખભાઈ નશીત પાસેથી માસિક દોઢ ટકાના વ્યાજે નાણાં મેળવ્યા હતા. ત્યારબાદ પોતાનું એક ટકો કમિશન ઉમેરીને ખેડૂતને અઢી ટકાના ઊંચા વ્યાજે 1 લાખ રોકડા અને 4-4 લાખના બે ચેક મળી કુલ 9 લાખનું ધિરાણ આપ્યું હતું. સિક્યુરીટીના બહાને ખેડૂતની ખોરાણા ગામની 2 એકર જમીનનો દસ્તાવેજ 18 ઓકટોબર,2021 ના રોજ રોકાણકાર જીતેન્દ્ર નશીતના નામે કરાવી લીધો હતો. આ દસ્તાવેજમાં બેંકના બોજા અંગેની સાચી હકીકત છુપાવી સબ રજિસ્ટ્રાર સમક્ષ ખોટા દસ્તાવેજો રજૂ કરાયા હતા.

સમય જતાં ફરિયાદી લાલજીભાઈ પાસે નાણાંની વ્યવસ્થા થતાં તેઓ 1 એપ્રીલ,2023 ના રોજ અલ્પેશ દોંગાની ઓફિસે લોન ભરપાઈ કરવા ગયા હતા. અલ્પેશે સહકારી નિયમ મુજબ પાકી પહોંચ આપવાને બદલે એક કાચી ડાયરીમાં હિસાબ કર્યો હતો. મૂળ 9 લાખની લોન, અન્ય ખર્ચ અને વ્યાજ મળી કુલ રૂ. 13,82,299 ખેડૂતે વ્યાજ સહિત પૂરેપૂરા ચૂકવી આપ્યા હતા. નાણાં સ્વીકારીને કાચી ડાયરીમાં સહીઓ પણ કરી આપવામાં આવી હતી અને અલ્પેશે લોન ચુકવાઈ જતાં જમીનનો દસ્તાવેજ રદ કરી આપવાની સંપૂર્ણ ખાતરી આપી હતી.

જોકે, પૂરેપૂરી રકમ વ્યાજ સહિત વસૂલ કરી લીધા પછી પણ આરોપી અલ્પેશ દોંગા, જીતેન્દ્ર નશીત અને તેના ભાગીદાર હરેશ કાંટાવાળાએ નીતિ બગાડી હતી. સિક્યુરીટી પેટે કરાવી લીધેલો જમીનનો દસ્તાવેજ રદ કરવાનો સાફ ઇનકાર કરી દેવામાં આવ્યો હતો. આ કૌભાંડીઓએ ખેડૂતની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવાની દાનતથી દસ્તાવેજ રદ કરવા માટે વધુ 1 કરોડની ગેરકાયદે માંગણી કરી હતી અને ત્યારબાદ 65 લાખ આપવા અસહ્ય દબાણ કરી ધમકીઓ આપી હતી.

પીડિત ખેડૂત લાલજીભાઈની ફરિયાદના આધારે ડીસીબી ક્રાઇમ બ્રાંચે ગુનો દાખલ કર્યો છે. પીઆઈ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાધવ અને પીએસઆઈ સી.બી. જાડેજા સહિતની ટીમે ધાકધમકી, છેતરપિંડી, બોગસ દસ્તાવેજો અને મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી જીતેન્દ્ર નશીત અને હરેશ અજાણી (કાંટાવાળા)ની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande