ઉપલેટામાં મદદના બહાને નિવૃત્ત કર્મચારીનું એટીએમ કાર્ડ બદલી રૂ.4.35 લાખની ઠગાઈ
રાજકોટ, 05 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના ઉપલેટામાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત રેલવે કર્મચારી સેવાદાસ ગોંડલીયા સાથે એટીએમ સેન્ટર પર મદદ કરવાનો ડોળ કરીને અજાણ્યા શખ્સે એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું. ઠગ ભગત આ ગઠિયાએ કાર્ડનો પાસવર્ડ મેળવી અલગ-અલગ ટ્રાન્ઝેક્શ
ફ્રોડ


રાજકોટ, 05 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના ઉપલેટામાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત રેલવે કર્મચારી સેવાદાસ ગોંડલીયા સાથે એટીએમ સેન્ટર પર મદદ કરવાનો ડોળ કરીને અજાણ્યા શખ્સે એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું. ઠગ ભગત આ ગઠિયાએ કાર્ડનો પાસવર્ડ મેળવી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા ખાતામાંથી રૂ.4.35 લાખ રકમ સેરવી લીધી હતી. આ અંગે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની વિગત મુજબ 17 સપ્ટેમ્બરના રોજ સેવાદાસ ગોંડલીયા એસ.બી.આઇ.ના એટીએમ મશીનમાંથી નાણાં ઉપાડવા ગયા હતા. તે સમયે મશીનમાંથી પૈસા ન નીકળતા ત્યાં હાજર અજાણ્યા શખ્સે બીજા એટીએમમાં જવાની સલાહ આપી હતી. ત્યારબાદ આ શખ્સ તેમની સાથે બાઈક પર બેસી કોલકી રોડ પર આવેલા અન્ય એટીએમ સેન્ટર પર ગયો હતો.

બીજા એટીએમ મશીનમાંથી નાણાં ઉપાડતી વખતે અજાણ્યા શખ્સે છૂપી રીતે પાસવર્ડ જોઈ લીધો હતો અને નજર ચૂકવીને મૂળ એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું. તેની જગ્યાએ હિતેશકુમાર વાઘેલા નામના અન્ય વ્યક્તિનું કાર્ડ તેમને પકડાવી દીધું હતું. ત્યારબાદ આરોપી તકનો લાભ ઉઠાવીને રવાના થઈ ગયો હતો.

તારીખ 27 સપ્ટેમ્બરના રોજ જ્યારે સેવાદાસ રાજકોટ ખાતે ટી.વી. ખરીદવા ગયા ત્યારે કાર્ડ કામ ન કરતા તપાસ કરવામાં આવી હતી. તેમના ભાણેજે મોબાઈલમાં બેંકના મેસેજ ચેક કરતા સામે આવ્યું કે તા. 17 થી 27 સપ્ટેમ્બર વચ્ચે ખાતામાંથી કુલ રૂ.4,35,949 ની રકમ ઉપાડી લેવામાં આવી છે.

ખાતું ખાલી થઈ ગયું હોવાની જાણ થતાં તેમણે તારીખ 30 સપ્ટેમ્બરના રોજ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ અરજીના આધારે ઉપલેટા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande