
વેલિંગ્ટન, નવી દિલ્હી, 05 ઓક્ટોબર (હિ.સ.) ન્યુઝીલેન્ડના ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ 2026-27 સત્ર માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટના કેન્દ્રીય કરારમાંથી બહાર નીકળીને કેઝ્યુઅલ કરાર પર રહેશે. આનાથી તેમને ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગમાં રમવાની તક મેળવવાની મંજૂરી મળશે. બ્રેસવેલ ન્યુઝીલેન્ડના કેઝ્યુઅલ કરાર ધરાવતા ખેલાડીઓની યાદીમાં ફિન એલન, માર્ક ચેપમેન, લોકી ફર્ગ્યુસન, એડમ મિલ્ને અને ટિમ સીફર્ટ સાથે જોડાશે.
35 વર્ષીય બ્રેસવેલ કેન્દ્રીય કરાર યાદીમાંથી બહાર હોવા છતાં ન્યુઝીલેન્ડ ટીમ માટે ઉપલબ્ધ રહેશે. તેમની જગ્યાએ નોર્ધન ડિસ્ટ્રિક્ટ્સના બેટ્સમેન નિક કેલીને રાષ્ટ્રીય કરાર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. 33 વર્ષીય કેલીને પ્રથમ શ્રેણી ક્રિકેટમાં પદાર્પણના 11 વર્ષ પછી પ્રથમ વખત ન્યુઝીલેન્ડનો રાષ્ટ્રીય કરાર મળ્યો છે.
બ્રેસવેલે કહ્યું કે, તેઓ ન્યુઝીલેન્ડ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને ભારત સામેની આગામી પાંચ મેચની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં રમવા માટે ઉત્સાહિત છે.
બ્રેસવેલે ન્યુઝીલેન્ડ ક્રિકેટને ટાંકીને કહ્યું, “મારા કારકિર્દીના આ તબક્કે આ તક મેળવવા માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટનો ટેકો મારા માટે ખૂબ જ મહત્વનો છે. એક એવા ખેલાડી તરીકે, જે ફક્ત મર્યાદિત ઓવરોનું ક્રિકેટ રમે છે, આ એક એવી તક હતી જેને છોડવી મારા માટે ખૂબ મુશ્કેલ હતી. હું હજી પણ બ્લેકકેપ્સ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું અને આગામી ભારત પ્રવાસ તથા ભવિષ્યની મર્યાદિત ઓવરોની શ્રેણીમાં સામેલ થવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. મારી નજર આગામી સત્રથી શરૂ થનારી પ્રથમ એનઝેડ-20 સ્પર્ધામાં રમવાની તક પર પણ સંપૂર્ણપણે ટકેલી છે.”
કેલીએ માર્ચ 2025માં આંતરરાષ્ટ્રીય પદાર્પણ કર્યું હતું અને અત્યાર સુધી આઠ વનડે તથા સાત ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યા છે. આ વર્ષની શરૂઆતમાં ઈજાગ્રસ્ત ટોમ લેથમની જગ્યાએ તેમણે બાંગ્લાદેશ સામેની બે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ન્યુઝીલેન્ડની કપ્તાની પણ કરી હતી.
કેલી તાજેતરમાં લીસેસ્ટરશાયર સાથેનો પોતાનો કાર્યકાળ પૂરો કરીને પાછા ફર્યા છે, જ્યાં તેમણે તમામ ફોર્મેટમાં 950 રન બનાવ્યા. તેમણે મિડલસેક્સ સામેની વનડે કપ ફાઇનલમાં પોતાની છઠ્ઠી લિસ્ટ-એ સદી પણ ફટકારી.
ન્યુઝીલેન્ડના મુખ્ય કોચ રોબ વોલ્ટરે કહ્યું કે, ઘરેલું ક્રિકેટમાં કેલીની સાતત્યતાએ તેમને રાષ્ટ્રીય કરાર અપાવ્યો છે. વોલ્ટરે ઓટાગોમાં બે સત્રો દરમિયાન કેલીને કોચિંગ પણ આપ્યું છે.
વોલ્ટરે કહ્યું, “નિક છેલ્લા ઘણા સત્રોથી ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓમાં સામેલ રહ્યા છે અને આ તેમની સખત મહેનતનો પુરાવો છે કે, કારકિર્દીના આ તબક્કે તેમને પોતાનો પ્રથમ કરાર મળ્યો છે.”
તેમણે કહ્યું, “નિક જેવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં થોડા મોડા લાવવાના ચોક્કસપણે કેટલાક ફાયદા છે. ખેલાડી આ સમય સુધીમાં પોતાની રમતને વધુ સારી રીતે સમજી ચૂક્યો હોય છે અને દબાણમાં પ્રદર્શન કરવા માટે પોતાનો વિશ્વાસ રાખી શકે છે.”
કેલીએ પોતાની છેલ્લી ચાર વનડે મેચોમાં ત્રણ અર્ધશતક ફટકાર્યા છે. વોલ્ટરનું માનવું છે કે, તેમનો અનુભવ ટીમ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
વોલ્ટરે કહ્યું, “બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ સામેની પડકારજનક બેટિંગ પરિસ્થિતિઓમાં પણ નિકે પોતાના પ્રદર્શનથી પોતાને સાબિત કર્યા.”
તેમણે આગળ કહ્યું, “તેમના નામે 300થી વધુ વ્યાવસાયિક મેચો છે અને તેઓ દેશના શ્રેષ્ઠ ફિલ્ડરોમાંના એક છે. આવા સંજોગોમાં તેઓ અમારા કરારબદ્ધ ખેલાડીઓના સમૂહમાં ઘણું યોગદાન આપે છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ