રાજકોટના સેલ્સમેનને ચેક રિટર્નનો કેસ કરી પઠાણી ઉઘરાણીમાં વ્યાજખોરની ધમકી
રાજકોટ, 05 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના પુનિતનગરમાં રહેતા અને સેલ્સમેન તરીકે કામ કરતા ભરત વિનુભાઈ જોષીએ જેતપુરના વ્યાજખોર વનરાજ સિસોદિયા સામે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સેલ્સમેને વ્યાજે લીધેલા નાણાં સામે મૂડી કરતાં વધુ રકમ ચૂ
વ્યાજ


રાજકોટ, 05 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના પુનિતનગરમાં રહેતા અને સેલ્સમેન તરીકે કામ કરતા ભરત વિનુભાઈ જોષીએ જેતપુરના વ્યાજખોર વનરાજ સિસોદિયા સામે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સેલ્સમેને વ્યાજે લીધેલા નાણાં સામે મૂડી કરતાં વધુ રકમ ચૂકવી દીધી હોવા છતાં, વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, સિક્યોરિટી પેટે લીધેલા ચેકમાં મોટી રકમ ભરી ચેક રિટર્નનો કેસ પણ કર્યો હતો.

ભરત જોષી નિયો સીલ કંપનીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવે છે. પોતાના વ્યવસાયમાં ગ્રાહકો કે વેપારીઓ સાથે મીટિંગનું આયોજન કરવાનું હોવાથી અને તેમાં જમણવાર કે નાસ્તાનો ખર્ચ કરવાનો થતો હોવાથી તેમને નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. આ માટે પાડોશી ધર્મેશ બાવળિયાની સલાહથી તેઓ નવાગઢ ખાતે પોરબંદર હાઈવે પર આવેલી ઈમ્પિરિયલ હાઈટ્સમાં વ્યાજનો ધંધો કરતા વનરાજ સિસોદિયાની ઓફિસે પહોંચ્યા હતા.

સપ્ટેમ્બર 2025માં ભરત જોષીએ વનરાજ સિસોદિયા પાસેથી રૂ. 20 હજારની માંગણી કરી હતી. વ્યાજખોરે માસિક 10 ટકાના ઊંચા વ્યાજે નાણાં આપવાનું નક્કી કર્યું હતું. પ્રથમ મહિનાનું રૂ. 2 હજાર વ્યાજ પહેલેથી જ કાપીને વ્યાજખોરે તેમને રૂ. 18 હજાર હાથમાં આપ્યા હતા. બાદમાં ઓક્ટોબર 2025નું વ્યાજ ચૂકવવામાં બે-ત્રણ દિવસનો સમય માગતાં વ્યાજખોર ઉશ્કેરાઈ ગયો હતો અને પાંચપીપળા રોડ પર બોલાવી ઉઘરાણી કરી હતી.

વ્યાજખોરે ધમકી આપતાં કહ્યું હતું કે વ્યાજના ધંધામાં નાણાં કઢાવવા માટે તે ખૂન કરવાથી પણ પાછો પડતો નથી અને પૈસા નહીં મળે તો ઘરે આવીને મારી નાખશે. આવી ધમકી આપીને તેણે સેલ્સમેન પાસેથી સહી કરેલો કોરો ચેક પણ પડાવી લીધો હતો. આ ધમકીથી ડરીને સેલ્સમેને ઓક્ટોબર 2025થી ઓગસ્ટ 2026 સુધીમાં દર મહિને રૂ. 2 હજાર લેખે કુલ રૂ. 24 હજારની રકમ વ્યાજ પેટે ઓનલાઈન ચૂકવી દીધી હતી.

આમ, રૂ. 20 હજારની મૂળ રકમ સામે રૂ. 24 હજાર વ્યાજ પેટે વસૂલી લીધા હોવા છતાં વ્યાજખોરે વધુ વ્યાજ અને મૂડી રકમની ગેરકાયદે માંગણી ચાલુ રાખી હતી. આટલેથી ન અટકતાં તેણે સિક્યોરિટી પેટે પડાવેલા કોરા ચેકમાં રૂ. ૫૦ હજારની રકમ ભરીને બેંકમાં જમા કરાવી ચેક રિટર્નનો ખોટો કેસ કર્યો હતો. આખરે વ્યાજખોરના ત્રાસથી તંગ આવીને સેલ્સમેને પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande