
રાજકોટ, 05 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ નજીક ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામની સીમમાં મોડી રાત્રે ખેતરમાં બકરા ચરાવવા જેવા મામૂલી મુદ્દે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી ભયનો માહોલ સર્જવામાં આવ્યો હતો. કાર અને બાઈકમાં ધસી આવેલા શખ્સોએ પશુપાલક સોલંકી પરિવાર પર લાકડીઓ અને લોખંડના પાઈપ વડે જીવલેણ હુમલો કરતા મૂકબધિર યુવક સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘવાયા છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ રૂરલ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી સગીર સહિત પાંચ આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ચકચારી ઘટનાની વિગતો મુજબ, સાવરકુંડલાના વતની અને હાલ સડક પીપળીયાની સીમમાં રહી પશુપાલનનો વ્યવસાય કરતા મમતા ગોપાલભાઈ સોલંકીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ધ્રુવરાજ, સમીર અને અન્ય ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. મમતાબેનના જણાવ્યા અનુસાર, તેમના પરિવાર પાસે 50 જેટલા બકરા છે, જેના પાલન માટે તેમણે ભીમા કાનાભાઇ મારવાડી નામના વ્યક્તિને રાખેલ છે. ગત 3 ઓકટોબર,2026 ના રોજ રાત્રિના આશરે સાડા દશ વાગ્યાના સુમારે જ્યારે પરિવારજનો ઘરે હાજર હતા, ત્યારે રોડ તરફથી એક કાળા રંગની કાર અને બાઈક પર છ શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. કારમાંથી ઉતરેલા શખ્સો પૈકી ધ્રુવરાજ નામના વ્યક્તિએ પોતાના હાથમાં રહેલી ગન વડે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આ શખ્સો લાકડીઓ અને લોખંડના પાઈપ સાથે ઘરમાં ઘૂસી ગયા હતા.
હુમલાખોરોએ મમતાબેનના પતિ સોલંકી ગોપાલભાઈ પર હુમલો કરવાનો પ્રયાસ કરતા તેઓ જીવ બચાવીને સીમ તરફ ભાગી છૂટ્યા હતા. આથી ઉશ્કેરાયેલી ટોળકીએ ઘરમાં શોધાશોધ કરી મમતાબેનના મૂકબધિર દિયર નાનીયા પર જાનથી મારી નાખવાના ઇરાદે લાકડીઓ અને પાઈપ વડે માથા તેમજ શરીરના ભાગે આડેધડ ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ ઢળી પડ્યો હતો. તે પછી હુમલાખોરોએ બકરા ચરાવનાર ભીમાભાઈ મારવાડીને પણ ઢોરમાર માર્યો હતો.
હુમલા દરમિયાન આરોપીઓએ બૂમો પાડીને જણાવ્યું હતું કે, ભીમાભાઈ પોતાના બકરા રીબડા ગામની સીમમાં આવેલી રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાની વાડીમાં ચરાવવા લઈ ગયા હોવાથી તેમનો પાક બગડી ગયો છે. આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ ફરી એકવાર હવામાં ફાયરિંગ કર્યું હતું અને હવે પછી જો બકરા ખેતરમાં આવશે તો જીવતા છોડીશું નહીં તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી પોતાના વાહનો લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
બનાવ બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જર, એલસીબી, એસઓજી અને ગોંડલ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં ફાયરિંગ અંગે સંશય હતો, પરંતુ ઘટનાસ્થળેથી બે ખાલી કાર્ટિસ મળી આવતા ફાયરિંગ થયું હોવાનું સ્પષ્ટ થયું હતું. આ મામલે ગોંડલ તાલુકા પોલીસે આર્મ્સ એક્ટ, રાયોટિંગ અને હત્યાની કોશિશ (આઈપીસી 307) હેઠળ ગુનો નોંધી સંયુક્ત તપાસ હાથ ધરી હતી. એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યા મુજબ, પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સગીર સહિત પાંચ આરોપીઓની અટકાયત કરી લીધી છે, જ્યારે ફરાર થયેલા એક અન્ય શખ્સની શોધખોળ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt