
રાજકોટ, 05 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લામાં માનસિક તણાવ અને પારિવારિક સમસ્યાઓને કારણે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. ગોંડલના મોટા દડવા ગામે માતા-પિતાના વિયોગમાં ભાંગી પડેલા 30 વર્ષીય અંકિત શેખલીયાએ સ્મશાનમાં જઈ ઝેર ગટગટાવ્યું હતું, જ્યારે કોટડા સાંગાણીના રાજપરા ગામના 42 વર્ષીય રામજીભાઈ ગોહેલે રિક્ષામાં ગૃહકલેશના કારણે વિષપાન કર્યું હતું. બંને યુવાનોને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગોંડલ તાલુકાના મોટા દડવા ગામે રહેતા અને ખેતીકામ કરીને જીવનનિર્વાહ ચલાવતા અંકિત ભૂપતભાઈ શેખલીયાએ સાંજના પાંચેક વાગ્યાના સુમારે ગામના સ્મશાનમાં જઈને ઝેરી દવા પી લીધી હતી. દવા પીધા બાદ તે તરત જ પોતાના મોટા બાપુ પાસે પહોંચ્યો હતો અને વિષપાન કર્યું હોવાની જાણ કરી હતી. પરિવારે તાત્કાલિક તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. એક બહેનથી નાના અંકિતે હોસ્પિટલમાં જણાવ્યું હતું કે તેણે નાનપણમાં જ પોતાની માતાને ગુમાવી દીધા હતા અને આશરે દસ મહિના પહેલાં પિતાનું પણ અવસાન થતાં તે સતત ચિંતા અને વિયોગમાં રહેતો હતો. માતા-પિતા વગરના એકલવાયા જીવન અને વિયોગથી કંટાળીને તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આટકોટ પોલીસને જાણ કરી આગળની તપાસ સોંપી છે.
બીજી તરફ, કોટડા સાંગાણીના રાજપરા ગામે રહેતા અને રિક્ષા હંકારીને પરિવારનું ગુજરાન ચલાવતા ૪૨ વર્ષીય રામજીભાઈ નાનજીભાઈ ગોહેલે પણ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. રામજીભાઈ રાત્રે આશરે સાડા બાર વાગ્યાના સુમારે પોતાની રિક્ષા લઈને ઘરની બહાર નીકળ્યા હતા અને નજીકના પીપળીયા ગામે પાવર હાઉસ સામે પહોંચી રિક્ષાની અંદર જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ તેમને તુરંત જ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. બે ભાઈ અને એક બહેનમાં વચ્ચેના રામજીભાઈ સંતાનમાં એક દીકરો અને એક દીકરી ધરાવે છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, ઘરમાં ચાલી રહેલા કલેશથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે કોટડા સાંગાણી પોલીસને અહેવાલ મોકલીને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt