
સુરત, 05 ઓક્ટોબર (હિ.સ.) : દર વર્ષે 6 ઓક્ટોબરે ઉજવાતા વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસનો મુખ્ય હેતુ સેરેબ્રલ પાલ્સી તથા વિકાસલક્ષી પડકારો ધરાવતા બાળકો અને તેમના પરિવારો પ્રત્યે સમાજમાં જાગૃતિ અને સંવેદનશીલતા વધારવાનો છે. બાળકના વિકાસમાં કોઈ પ્રકારનો વિલંબ જણાય તો સમયસર નિદાન અને યોગ્ય થેરાપી શરૂ કરવામાં આવે તો તેના વિકાસમાં નોંધપાત્ર સુધારો શક્ય બને છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર (DEIC) વિકાસલક્ષી સમસ્યાઓ ધરાવતા બાળકો અને તેમના પરિવારો માટે મહત્વપૂર્ણ સારવાર કેન્દ્ર બની રહ્યું છે.
DEICના બાળરોગ નિષ્ણાત ડો. સંદેશ મહિપાલે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં માનસિક, શારીરિક, ભાષાકીય અને વ્યવહારલક્ષી વિકાસમાં વિલંબ ધરાવતા બાળકોને એક જ છત હેઠળ વિવિધ નિષ્ણાતો દ્વારા સારવાર આપવામાં આવે છે. 18 વર્ષ સુધીના બાળકોને સેવાઓ આપવામાં આવે છે, જ્યારે ખાસ કરીને 6 વર્ષથી નાની ઉંમરના બાળકો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
સમય પહેલાં જન્મેલા બાળકો, NICUમાં દાખલ રહેલા બાળકો તેમજ જન્મ સમયે ગંભીર તકલીફોનો સામનો કરનારા બાળકોને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ નિયમિત વિકાસલક્ષી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે.
કેન્દ્રમાં સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, દિવ્યાંગતા, ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર, ભાષાકીય અને બૌદ્ધિક વિકાસમાં વિલંબ સહિતની સમસ્યાઓનું નિદાન અને સારવાર કરવામાં આવે છે. અહીં સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સેન્સરી ઇન્ટિગ્રેશન થેરાપી, વિઝન થેરાપી, વિશેષ શિક્ષણ અને બિહેવિયર થેરાપી સહિતની વિવિધ સેવાઓ ઉપલબ્ધ છે.
દરેક બાળક માટે વ્યક્તિગત સારવાર યોજના તૈયાર કરવામાં આવે છે અને માતા-પિતાને ઘરે પણ બાળકના વિકાસમાં સહયોગ આપી શકે તે માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે. કેન્દ્રની તમામ સેવાઓ નિઃશુલ્ક છે.
હાલમાં DEIC ખાતે આશરે 70 બાળકો નિયમિત સારવાર હેઠળ છે. વર્ષ 2016થી અત્યાર સુધીમાં 1,01,383થી વધુ બાળકોને વિવિધ સારવાર અને થેરાપીનો લાભ આપવામાં આવ્યો છે.
ડિંડોલી નિવાસી સર્વજિત યાદવે જણાવ્યું હતું કે તેઓ પોતાના દોહિત્ર ધ્રુવકુમારને છેલ્લા અઢી વર્ષથી DEICમાં સારવાર માટે લાવે છે. શરૂઆતમાં બાળક ચાલી પણ શકતું ન હતું, પરંતુ વિવિધ થેરાપી અને સતત સારવારથી તેના વિકાસમાં નોંધપાત્ર સુધારો થયો છે.
પાંડેસરા નિવાસી અંજલિબેન રાણાએ જણાવ્યું હતું કે તેમની પાંચ વર્ષની દીકરી ઇશિકાના વિકાસમાં જન્મથી જ વિલંબ હતો. DEICમાં વિવિધ થેરાપી મળ્યા બાદ હવે તે પોતાના પગે ઊભી થવા લાગી છે અને આસપાસની બાબતોને વધુ સારી રીતે સમજવા લાગી છે.
બાળક બેસવામાં, ઊભું થવામાં, ચાલવામાં, બોલવામાં અથવા અન્ય વિકાસલક્ષી સોપાનો હાંસલ કરવામાં વિલંબ કરતું હોય તો તેને સામાન્ય બાબત માનીને અવગણવું નહીં. વહેલી તકે નિષ્ણાતની સલાહ લઈને જરૂરી તપાસ અને થેરાપી શરૂ કરવામાં આવે તો બાળકની ક્ષમતાઓને વિકસાવવામાં મદદ મળી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે