
રાજકોટ, 05 ઓક્ટોબર (હિ.સ.) રાજકોટ જિલ્લામાં વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે કુખ્યાત વ્યાજખોર અલ્પેશ દોંગા વિરુદ્ધ જમીન પચાવી પાડવાનો વધુ એક ગુનો લોધિકા પોલીસ મથકે નોંધાયો છે. કોટડા સાંગાણીના થોરડી ગામના 65 વર્ષીય ખેડૂત તુલશી સાકરીયાને 6 લાખની ધિરાણ રકમ સામે વ્યાજનું તોતિંગ ચક્ર ચલાવી, ધાકધમકી આપીને 6 કરોડની કિંમત ધરાવતી 4 એકર 34 ગુઠા જમીન પચાવી પાડવામાં આવી હતી. એસપી વિજયસિંહ ગુર્જરની મુહીમ હેઠળ લોધિકા પોલીસે આ મામલે મનીલેન્ડિંગ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત અનુસાર, વર્ષ 2018માં તુલશીભાઇને દિકરા-દિકરીના લગ્ન માટે નાણાંની જરૂરિયાત હતી. દિવાલ પર ચોંટાડેલા પેમ્પલેટના આધારે તેઓ રાજકોટમાં નાના મોવા સર્કલ પાસે આવેલી અલ્પેશ દોંગાની ‘મની પ્લસ’ ઓફિસે પહોંચ્યા હતા. અલ્પેશે તેમનો સિબિલ સ્કોર ખરાબ હોવાનું બહાનુ બતાવી બેંકમાંથી લોન નહિ મળે તેમ કહીને સિક્યુરિટી પેટે જમીનનો સાટાખત કરાવવાની શરતે 3 ટકા વ્યાજે લોન આપવાની ખાતરી આપી હતી.
શરૂઆતમાં રૂ. 4 લાખ રોકડા આપી સાટાખત કરાવી લીધો હતો અને બાદમાં જરૂર પડતા બીજા રૂ. 2 લાખ આપ્યા હતા. ખેડૂત વ્યાજ ભરતા હોવા છતાં અલ્પેશે સાટાખત રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
ત્યારબાદ અલ્પેશે વ્યાજની રકમ વધારીને 12 લાખ અને બાદમાં 40 લાખની પઠાણી ઉધરાણી શરૂ કરી હતી. ખેડૂતે મૂળ રકમ અને વ્યાજ ચુકવવાની તૈયારી બતાવી છતાં અલ્પેશે આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે વર્ષ 2021માં મામલતદાર કચેરી ખાતે લઇ જઇ ધાકધમકી આપીને મુકતાબેન બાબુ ડોબરીયાના નામે જમીનનો રજિસ્ટર્ડ દસ્તાવેજ કરાવી લીધો હતો. આ દસ્તાવેજના નક્કી થયેલા રૂ. 1.38 કરોડમાંથી વ્યાજના 40 લાખ બાદ કરી બાકીના 98 લાખ પણ ખેડૂતને ચૂકવ્યા ન હતા.
બીજી તરફ, આ જમીનમાં વારસાઈ હક હોવાનું કહી ખેડૂતના મોટા દિકરા લલીતે અલ્પેશ પાસેથી પિતાની જાણ બહાર 32 લાખ મેળવી લીધા હતા, જ્યારે તેના નાના દિકરાને પણ અલ્પેશે અમુક રકમ આપી આર્થિક લાભ પહોંચાડ્યો હતો. અલ્પેશે પરિવારના સભ્યોને નાણાં આપી સંમતિ મેળવવાનો ખેલ પણ રચ્યો હતો.
અલ્પેશ દોંગા વિરુદ્ધ અગાઉ પડધરી, ગોંડલ તાલુકા અને કાલાવડ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે. ખેડૂતોની જમીનો પચાવી પાડવાના આ મોડ્સ ઓપરેન્ડી હેઠળ અલ્પેશ અને તેની ટોળકી સામે નોંધાયેલી આ 18મી ફરિયાદ છે. હાલ લોધિકા પોલીસે આ મામલે આરોપીની કસ્ટડી મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt