
રાજકોટ, 05 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા શિવનગરમાં રહેતા ૨૦ વર્ષીય યુવાન વિકાસ ભાવુભાઈ તલસાણીયાએ જુના માર્કેટ યાર્ડ સંકુલમાં ઝેરી દવા ગટગટાવીને પોતાની જિંદગીનો અકાળે અંત આણ્યો છે. બકાલાના ગોડાઉનમાં પોતાની રોજિંદી મજૂરીનું કામ પૂર્ણ કર્યા બાદ તેણે નજીકમાં જ આવેલી ડિસ્ટ્રિક્ટ બેંકની પાછળના ભાગે જઈ આ આત્યંતિક પગલું ભર્યું હતું. ઝેર પીધા બાદ યુવાને પોતાનો ફોટો અને લોકેશન પોતાના ભાઈને મોકલીને બનાવની જાણ કરી હતી, જેને પગલે પરિજનો અને સગાંસંબંધિઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવાનને ગંભીર હાલતમાં સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજતાં શિવનગર વિસ્તાર અને પરિવારમાં અરેરાટી સાથે ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
આપઘાત કરનાર વિકાસ તલસાણીયા ચાર ભાઈઓમાં સૌથી નાનો હતો અને જુના માર્કેટ યાર્ડમાં આવેલ વિશાલભાઈના બકાલાના ગોડાઉનમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. ઘટનાના દિવસે સાંજે સાતેક વાગ્યાના સુમારે તે ગોડાઉનનું તમામ કામ આટોપીને પોતાનું હોન્ડા મોટરસાયકલ ત્યાં જ મૂકીને નીકળી ગયો હતો. ગોડાઉન માલિક વિશાલભાઈએ હોન્ડા રેઢું પડેલું જોતાં વિકાસના ભાઈને ફોન કરીને તેની પૃચ્છા કરી હતી. આ જ સમયે વિકાસે પોતાના ભાઈને ડિસ્ટ્રિક્ટ બેંક પાછળ ઝેર પી લીધું હોવાનો મેસેજ અને ફોટો મોકલ્યો હતો. પરિજનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો, પરંતુ કમનસીબે તેનો જીવ બચાવી શકાયો નહોતો.
બનાવ અંગે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરતાં પીએસઆઈ એમ. આઈ. શેખ સહિતના કાફલાએ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. યુવાને કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કારણ હજુ અકબંધ હોય, પોલીસે આગળની સઘન તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt