
ભાવનગર, 05 ઓક્ટોબર (હિ.સ.) : માર્ગ સલામતી અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની સમજ વિકસે તે હેતુથી શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના વિવિધ નિયમો અને સાવચેતી અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને રસ્તા પર વાહન ચલાવતી વખતે તથા રસ્તો ઓળંગતી વખતે રાખવાની સાવચેતી, ટ્રાફિક સિગ્નલનું પાલન, હેલ્મેટના ઉપયોગનું મહત્વ, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો તેમજ અન્ય વાહનચાલકોની સુરક્ષાનું ધ્યાન રાખવા અંગે સમજ આપવામાં આવી હતી. ઉપરાંત, માર્ગ અકસ્માતો ટાળવા માટે ટ્રાફિકના નિયમોનું જવાબદારીપૂર્વક પાલન કરવું જરૂરી હોવાનું જણાવાયું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને માર્ગ સલામતીને લગતું સાહિત્ય પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સાહિત્યના માધ્યમથી વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો, માર્ગ પરની સાવચેતી અને સુરક્ષિત વાહનવ્યવહાર અંગે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી.
શાળાના આચાર્ય રમેશ ભરતભાઈ રાઠોડના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવાનો તેમજ તેઓ પોતે નિયમોનું પાલન કરે અને પરિવાર તથા સમાજમાં પણ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવે તેવો રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA