
નવી દિલ્હી, 06 ઓક્ટોબર (હિ.સ.). વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી અને પછી વડાપ્રધાન તરીકે સરકાર પ્રમુખના રૂપમાં 25 વર્ષ પૂરા કરવાના અવસર પર કેન્દ્રીય મંત્રીમંડળે તેમના અભિનંદનમાં પ્રસ્તાવ પસાર કર્યો છે. મોદી 07 ઓક્ટોબર 2001 થી 07 ઓક્ટોબર 2026 સુધી સતત 25 વર્ષ સરકારના પ્રમુખ તરીકે પોતાની સેવાઓ પૂરી કરી રહ્યા છે.
કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે, મંગળવારે રાષ્ટ્રીય મીડિયા કેન્દ્રમાં પત્રકાર પરિષદમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીની 25 વર્ષની સેવા ભારતીય લોકશાહીની શક્તિ અને તેની જીવંતતાનો પુરાવો છે.
મંત્રીએ કહ્યું કે, એક સામાન્ય પરિવારમાંથી આવેલો વ્યક્તિ દેશની સેવા માટે સમર્પિત હોય અને જનતા તેને સતત સમર્થન આપે, તે ભારતીય લોકશાહીની મજબૂતીનું મોટું ઉદાહરણ છે. મોદીને જનતાનો ટેકો તેમની કાર્યપદ્ધતિ, નીતિઓ અને નિયતને કારણે મળ્યો છે.
વૈષ્ણવે કહ્યું કે, ગુજરાતમાં ત્રણ વાર મળેલ પ્રચંડ જનાદેશ અને વડાપ્રધાન તરીકે સતત ત્રણ લોકસભા ચૂંટણીઓમાં મળેલ ઐતિહાસિક સમર્થન આ જ વિશ્વાસનું પ્રતીક છે. તેમણે કહ્યું કે મોદીએ 25 વર્ષ દરમિયાન ગુજરાતથી લઈને કેન્દ્ર સુધી વિકાસની વિચારસરણીને વિસ્તાર આપ્યો છે.
તેમણે મંત્રીમંડળના પ્રસ્તાવની મુખ્ય વાતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમાં સંવેદનશીલતા અને સશક્તિકરણ, સુધારાઓને આગળ વધારવા, આત્મનિર્ભર ભારતનું નિર્માણ, ટેકનોલોજીને નાગરિકોની સુવિધાનું માધ્યમ બનાવવા તથા નિર્ણાયક નીતિઓ લેવા જેવા પાસાઓને રેખાંકિત કરવામાં આવ્યા છે.
વૈષ્ણવે કહ્યું કે, મોદી સરકારના કાર્યકાળમાં 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા, વસ્તુ અને સેવા કર (જીએસટી) લાગુ કરવા અને અનુચ્છેદ 370 ની જોગવાઈઓને સમાપ્ત કરવા જેવા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. તેમણે માળખાકીય સુવિધાઓના વિકાસને પણ સરકારની મુખ્ય ઉપલબ્ધિઓમાં સામેલ કર્યો.
પ્રસ્તાવમાં દેશના આત્મવિશ્વાસને વધારવા, આંતરિક અને બાહ્ય સુરક્ષાને મજબૂત કરવા તથા વિશ્વમાં ભારતનો અવાજ મજબૂત બનાવવા દિશામાં કરાયેલા કાર્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, ભારતને હવે વિશ્વસનીય દેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.
મંત્રીએ કહ્યું કે, વિકાસની સાથે દેશના વારસા અને જવાબદારીની ભાવનાને આગળ વધારવી પણ વડાપ્રધાન મોદીના 25 વર્ષના સાર્વજનિક જીવનની મુખ્ય વિશેષતાઓમાં સામેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ