


પાટણ, 07 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ જિલ્લામાં પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા આશરે 300 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓના આંદોલનના કારણે આવક-જાતિના દાખલા, રહેઠાણ અને ડોમિસાઈલ સર્ટિફિકેટ, રેશનકાર્ડમાં સુધારા, આયુષ્માન કાર્ડ, જમીનની નોંધો તેમજ સેવા સેતુ સહિતની કામગીરી પર અસર પડી છે.
મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ હર્ષદ પટેલના જણાવ્યા મુજબ રેવન્યુ તલાટીઓના જોબ ચાર્ટની વિસંગતતાઓ દૂર કરવા, બિનજરૂરી કામગીરીમાંથી મુક્તિ, બેઠક વ્યવસ્થામાં સુધારો અને જરૂરી સ્ટાફની ફાળવણી સહિતની માંગણીઓ લાંબા સમયથી કરવામાં આવી રહી છે. ઉપરાંત 2012માં GPSC પાસ કરી નાયબ મામલતદાર બનેલા કર્મચારીઓને હજુ પ્રમોશન ન મળ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
કર્મચારીઓના જણાવ્યા મુજબ 2025-26 દરમિયાન કારકૂનમાંથી નાયબ મામલતદાર તરીકે પ્રમોશન મેળવનાર કેટલાક કર્મચારીઓને ચોઈસ ફોર્મ ભરાવ્યા બાદ ગૃહ જિલ્લાથી 400થી 500 કિમી દૂર પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. પરિણામે કેટલાક કર્મચારીઓએ પગારમાં રૂ.20થી 25 હજારનું નુકસાન વેઠીને રિવર્ઝન લઈ ફરી કારકૂન તરીકે પોતાના જિલ્લામાં જોડાવું પડ્યું હોવાનું મંડળે જણાવ્યું છે.
મંડળે વધુમાં આક્ષેપ કર્યો છે કે GADના નિયમો હોવા છતાં 10થી 14 વર્ષથી સિનિયોરિટી યાદી બનાવવામાં આવી નથી. રજાના દિવસોમાં મોડી સાંજે ઈમેલ કરી સોમવારે તાત્કાલિક માહિતી માંગવાથી કર્મચારીઓ પર વધારાનું ભારણ આવે છે. તમામ માંગણીઓનો સંતોષકારક ઉકેલ ન આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની કર્મચારી મંડળે ચીમકી આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ