
સુરત, 7 ઓક્ટોબર (હિ.સ.) : “દેશ પ્રત્યે વફાદારી, સદાચાર અને શિસ્ત, એ જ મારી સાચી ઓળખ...” એમ જણાવતાં સુરતના પૂર્વ વાયુસેના અધિકારી, ‘એર કોમોડોર’ હિતેશ
એચ.પટેલે ‘ભારતીય
વાયુસેના દિવસે’ ૩૫ વર્ષના
તેમના આકાશી સફરના સાહસિક અને અવિસ્મરણીય સંસ્મરણો વાગોળ્યા હતા. માત્ર 21 વર્ષની
વયે 'પાયલટ ઓફિસર'થી ૫૬ વર્ષે 'એર કોમોડોર' સુધીની સોનેરી
સિદ્ધિ મેળવનાર તેમજ ‘મિગ-21’ અને ‘મિરાજ-2000’ સાથે 1 હજાર
કલાકથી વધુનો ઉડાનનો અનુભવ ધરાવતા હિતેશ પટેલની વાયુસેનાની સફર રોચક છે.
ધો.5 સુધી સુરતમાં અભ્યાસ કર્યા બાદ
ખાનગી બેંકમાં ક્લાર્ક તરીકે કાર્યરત પિતા હરિભાઈની સલાહથી 'એર કોમોડોર' હિતેશ પટેલે
ધો.૬થી જામનગર સ્થિત સરકારી સૈનિક શાળામાં પ્રવેશ મેળવી સમગ્ર શાળાકીય શિક્ષણ
પરિવારથી દૂર રહીને જ પૂરું કર્યું. અને ધો.12 પછી લોકોથી અલગ તરી આવવાની ઈચ્છા
સાથે NDA(નેશનલ
ડિફેન્સ એકેડેમી)ની સ્પર્ધાત્મક પરીક્ષાના અરજી પત્રકમાં 'ભારતીય વાયુસેના' પર પ્રથમ પસંદગી ઉતારી પોતાની ગગનચુંબી
સિદ્ધિઓની ઐતિહાસિક સફર શરૂ કરી હતી.
વર્ષ 1971થી 1974 દરમિયાન NDA ખાતે પાયાનું
શિક્ષણ અને તાલીમ મેળવ્યા બાદ, આગળની ફાઈટર ટ્રેનિંગ(HT-2) એરફોર્સ સ્ટેશન બીદાર-હૈદરાબાદ અને 'હાવર્ડ એરક્રાફ્ટ' ડુંડીગલ પર
લીધા બાદ HJT 16
(એડવાન્સ જેટ ટ્રેનિંગ) પર અદ્યતન ફાઈટર ટ્રેનિંગ પૂર્ણ કરી માત્ર 21 વર્ષની યુવા
વયે ક્લાસ-1 ‘પાયલટ ઓફિસર’ બનીને ભારતીય
વાયુસેનામાં ખડગપુર નજીકના કલાઈકુંડા એરબેઝ ખાતે પ્રથમ પોસ્ટીંગ મેળવ્યું હતું.
તેમની યાદગાર ક્ષણો વિષે વિસ્તારથી
જણાવતાં એર કોમોડોર હિતેશ પટેલે ભારતીય વાયુસેનાના બે સૌથી આક્રમક વિમાનો સાથેનો
તેમનો અનુભવ વર્ણવ્યો હતો. તેમણે 1977માં ‘મિગ-21’ અને 1989માં અતિ આધુનિક ‘મિરાજ-2000’ 1-1 હજાર
કલાકથી પણ વધુ સમય માટે ઉડાડી આકાશ ગજવ્યું હતું. આ બંને ફાઈટર વિમાનો સાથે 4000
કલાકથી પણ વધુ સમય સુધી ઉડાન ભરી અનેક રોમાંચક અનુભવો કર્યા છે. જે જીવનની સૌથી
અણમોલ ભેટ છે એમ તેઓ કહે છે.
વાયુસેના અધિકારી તરીકેની યાદગાર સફર
વિષે તેમણે કહ્યું કે, 35વર્ષની મારી કારકિર્દી દરમિયાન દેશના આશરે 20થી વધુ સ્થળોએ કામ કર્યું
અને આપણાં દેશને, વિવિધ પરંપરા અને સંસ્કૃતિઓને ખૂબ નજીકથી જોવા અને સમજવાની તક મળી છે, જે એક સામાન્ય
નાગરિક માટે કદાચ જ શક્ય હોય. સાથે જ અનેક જગ્યાએ થતાં પોસ્ટીંગને પરિણામે બાળકોના
શિક્ષણને તેમણે એક મોટો પડકાર ગણાવ્યો હતો. જે પત્નીના સહયોગથી પાર પાડ્યો હતો.
પોતાની સાથે ફરજ બજાવતા સાથીઓના જીવનની
અનિશ્ચિતતાને અનેકવાર નજીકથી જોયા બાદ તેઓ અત્યંત નિખાલસતાથી કહે છે કે, “સતત જોખમો
વચ્ચે જીવતા એક ફૌજીમાં સામાન્ય લોકોની સરખામણીએ અતિ-સંવેદનશીલતા થોડી ઓછી થઈ જાય
છે. કારણકે જીવનનો સૌથી વધુ અને મહત્વનો સમય તેઓ આવી અનિશ્ચિતતા સાથે જ ગુજારે છે.”
પોતાની અસાધારણ કાર્યક્ષમતાના બળે વર્ષ 1974માં પાયલટ ઓફિસર તરીકે કમિશન થયા બાદ તેઓ ક્રમશઃ ફ્લાઈંગ ઓફિસર, ફ્લાઈટ
લેફ્ટનન્ટ અને સ્ક્વોડ્રન લીડર બની ફાઈટર વિમાનોના સક્રિય મિશન્સ સંભાળતા રહ્યા.
ત્યારબાદ વિંગ કમાન્ડર તરીકે ફાઈટર સ્ક્વોડ્રનનું નેતૃત્વ કર્યું અને ગ્રુપ કેપ્ટન
તરીકે કમાન સંભાળી. પોતાની 35વર્ષની કારકિર્દીના શિખરરૂપે તેઓ વાયુસેનાના
વન-સ્ટાર ફ્લેગ ઓફિસર એટલે કે એર કોમોડોર(આર્મીના બ્રિગેડિયર સમકક્ષ) પદ સુધી
પહોંચ્યા હતા.
સાથે જ તેમણે ક્વોલિફાઈડ ફ્લાઈંગ
ઈન્સ્ટ્રક્ટર, ઈલેક્ટ્રોનિક
વોરફેર(જામિંગ માસ્ટર), યુનિટ કમાન્ડર, કમાન્ડિંગ ઓફિસર, એરક્રૂ એક્ઝામિનેશન બોર્ડના કમાન્ડિંગ ઓફિસર અને વ્યુહાત્મક
રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ‘એરફોર્સ સ્ટેશન- અંબાલા’ના એર ઓફિસર કમાન્ડિંગ(AOC) જેવા ગૌરવશાળી
પદો પર પણ સફળતાપૂર્વક ભૂમિકા નિભાવી હતી.
જોકે, 1999ના કારગિલ યુદ્ધ વખતે તેઓ સાઉથ વેસ્ટર્ન એર
કમાંડ તરફના એક મહત્વપૂર્ણ સૈન્ય યુનિટની કમાન સંભાળી રહ્યા હતા. યુદ્ધમાં
ફ્રન્ટલાઈન પર રહીને દેશ માટે સીધું યુદ્ધ ન લડી શક્યાનો વસવસો આજે પણ તેમના મનમાં
છુપાયેલો છે.
‘સમાજ અને દેશને હંમેશાં કંઈક પાછું આપવું’(Giving Back to Society) એ સૈનિકનો સહજ
સ્વભાવ હોય છે. અને એટલે જ વાયુસેનામાંથી નિવૃત્ત થયા બાદ પણ તેમણે અંદાજે 7થી 8વર્ષ સુધી 'ટ્રેનિંગ
સ્કૂલ ફોર કમર્શિયલ પાયલટ' (NFTI) અને ‘એકેડેમી ઓફ એવિએશન'(NMIMS-AOA)ના ડાયરેક્ટર તરીકે સેવાઓ
આપીને દેશને 150થી વધુ કુશળ અને સક્ષમ પાયલટ્સ તૈયાર કરી આપ્યા હતા.
નાની વયથી જ દેશ માટે કંઈક કરી છૂટવા
વિવિધ સશસ્ત્ર દળોને ઉત્તમ માધ્યમ ગણાવતાં ‘એર કોમોડોર’ હિતેશ પટેલની ગૌરવગાથા ન માત્ર સુરત પણ દેશભરની
નેક્સ્ટ જનરેશન માટે પથદર્શક સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે