




- યુવતી સહિત 4 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ભરૂચ, 07 ઓક્ટોબર (હિ.સ.) : ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે. બે કાર અને બે એક્ટિવા વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કુલ ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં એક્ટિવા ચાલક એક યુવતીના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના કારણે બ્રિજ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલા નર્મદા મૈયા બ્રિજ પર બે કાર અને બે એક્ટિવા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો.ધમાકાભેર થયેલા આ અકસ્માતમાં ચાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવતીના પગમાં ગંભીર ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને 108 મારફતે તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાના પગલે નર્મદા મૈયા બ્રિજ પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.
નર્મદા મૈયા બ્રિઝ ઉપર હાલ પણ અકસ્માતો અવારનવાર થતા જ હોય છે તેમાં હવે તંત્રએ ભરૂચનો ઇતિહાસ દર્શાવવા સ્ટીલની રેલિંગની જાળીમાં પેન્ટિંગ કરવામાં આવી રહ્યું છે.પરંતુ આ ભરૂચનો ઇતિહાસ જોવામાં વાહન ચાલકો અકસ્માતને આમંત્રણ આપશે તે ચોક્કસ છે ત્યારે આ અકસ્માત ટાળવા અત્યારથી આ ચિત્રો અન્ય જગ્યાએ દોરવા જોઈએ તો કોઈ નિર્દોષોના જીવ જતા અટકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ