ભાવનગર મંડળના 80 સ્ટેશનો પર અત્યાધુનિક ઓટોમેટિક ફાયર અલાર્મ એન્ડ ડિટેક્શન સિસ્ટમ કાર્યરત
ભાવનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરો, રેલવે કર્મચારીઓ તેમજ રેલવે સંપત્તિની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં મંડળના 80 સ્ટેશનો પર ઓટોમેટિક ફાયર અલાર્મ એન્ડ ડિટેક્શન સિસ્ટમ (AFDAS) સફળતા
ભાવનગર મંડળના 80 સ્ટેશનો પર


ભાવનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરો, રેલવે કર્મચારીઓ તેમજ રેલવે સંપત્તિની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં મંડળના 80 સ્ટેશનો પર ઓટોમેટિક ફાયર અલાર્મ એન્ડ ડિટેક્શન સિસ્ટમ (AFDAS) સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવી છે.

ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક (DRM) દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તેમજ વરિષ્ઠ મંડળ સિગ્નલ અને દૂરસંચાર ઇજનેર (Sr. DSTE) એચ. એસ. આર્યાના નેતૃત્વ અને દેખરેખ હેઠળ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા આ આધુનિક સુરક્ષા પ્રણાલીની સ્થાપના અને કમિશનિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

AFDAS નો મુખ્ય ઉદ્દેશ્ય સ્ટેશનો પર સ્થાપિત સિગ્નલિંગ ઉપકરણોમાં આગ લાગવાની સંભવિત સ્થિતિની વહેલી તકે ભાળ મેળવવી અને તાત્કાલિક ચેતવણી આપવાનો છે, જેથી કોઈપણ અગ્નિ આપાતકાલીન પરિસ્થિતિમાં સમયસર જરૂરી પગલાં લઈ શકાય.

આ આધુનિક પ્રણાલી દ્વારા આગના સંભવિત જોખમની પ્રારંભિક તબક્કે જ જાણ થઈ શકશે અને ઓડિયો-વિઝ્યુઅલ અલાર્મ દ્વારા સંબંધિત સ્થળે તાત્કાલિક ચેતવણી મળશે. આનાથી મુસાફરો, કર્મચારીઓ અને રેલવે સંપત્તિની સુરક્ષા વધુ મજબૂત બનશે તેમજ કટોકટીના સમયે ત્વરિત પ્રતિસાદ, સુરક્ષિત સ્થળાંતર અને રાહત કામગીરીમાં મદદ મળશે.

AFDAS દ્વારા સ્ટેશન પર સ્થાપિત સિગ્નલિંગ સાધનોની સતત અને વિશ્વસનીય દેખરેખ સુનિશ્ચિત થવાથી સંભવિત આગની ઘટનાઓ સામે રેલવેની તત્પરતા અને આપાતકાલીન પ્રતિસાદ ક્ષમતામાં વધુ સુધારો થશે. આ પ્રણાલી સ્ટેશન સુરક્ષા વ્યવસ્થાને તકનીકી રીતે વધુ સક્ષમ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક (Sr. DCM) અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા અને સંરક્ષા ભાવનગર મંડળની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાં સામેલ છે. 80 સ્ટેશનો પર AFDAS ની શરૂઆત એ આધુનિક ટેકનોલોજી દ્વારા સ્ટેશન સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. આ પ્રણાલીથી આગ જેવી કટોકટીની સ્થિતિમાં સમયસર ચેતવણી અને ત્વરિત કાર્યવાહી સુનિશ્ચિત કરવામાં મદદ મળશે અને મુસાફરોને વધુ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકાશે.

ભાવનગર મંડળ દ્વારા આધુનિક ટેકનોલોજી અને અદ્યતન સુરક્ષા પ્રણાલીઓ અપનાવીને રેલવે સંપત્તિ અને મુસાફરોની સુરક્ષાને સતત સુદૃઢ કરવામાં આવી રહી છે, તેમજ Safety First, Always First એટલે કે “સુરક્ષા પ્રથમ, સદૈવ પ્રથમના સંકલ્પને વધુ મજબૂતી આપવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande