
ભાવનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) : મહુવા તાલુકાના બેલુર વિદ્યાલય ખાતે પ્રકૃતિનું જતન, વન્યજીવોનું સંરક્ષણ અને પર્યાવરણના સંવર્ધન અંગે જનજાગૃતિ કેળવવાના હેતુથી જિલ્લા કક્ષાના વન્ય પ્રાણી સપ્તાહ–2026ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, DCF ચિરાગ અમિન, ACF રાજ પટોલિયા સહિત વન વિભાગના અધિકારીઓ, નિષ્ણાતો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બેલુર બર્ડઝના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ ભવ્ય વૃક્ષયાત્રાથી થયો હતો. મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર વૃક્ષયાત્રામાં જોડાયા હતા. ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વન્યજીવન અને પર્યાવરણ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે વિશેષ ચિત્ર પ્રદર્શન તેમજ તુંબડીમાંથી તૈયાર કરાયેલા વિવિધ પક્ષીઓના માળાઓનું પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓએ ચિત્રો દ્વારા પ્રકૃતિપ્રેમ અને વન્યજીવો પ્રત્યેની સંવેદનશીલતા વ્યક્ત કરી હતી.
દીપ પ્રાગટ્ય અને પર્યાવરણ પ્રાર્થના બાદ પપેટ ગીત દ્વારા પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. વક્તાઓએ ભાવનગરની ઓળખ સમા ગીધ, સિંહ અને કાળિયાર સહિતના વન્યજીવોના સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. ગીધ અને સિંહના સંરક્ષણ, વન્યજીવોના પ્રાકૃતિક આવાસ તથા પર્યાવરણના સંતુલન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું હતું.
પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરતી NGO, વિવિધ ગામોના સરપંચો તથા વિવિધ સ્પર્ધાઓમાં રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતે સૌએ વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણના સંવર્ધન માટે પ્રતિજ્ઞા લીધી હતી. “આવાસોને જોડીએ, વન્યજીવનને સમૃદ્ધ બનાવીએ” થીમ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA