
રાજકોટ, 07 ઓક્ટોબર (હિ.સ.) : ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 'લોકશાહી બચાવો' અને 'મત બચાવો, દેશ બચાવો' અભિયાન અંતર્ગત એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી લઈને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી યોજાયેલી આ રેલીમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાણ આપીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રેલી દરમિયાન કાર્યકર્તાઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે ભાજપ સરકાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી. કાર્યકર્તાઓએ 'વોટ ચોર ગદ્દી છોડ' અને 'ચૂંટણી પંચ ભાજપની દલાલી બંધ કરો' જેવા આકરા નારા લગાવ્યા હતા. આ તકે વિરોધ પક્ષના નેતા દીપ્તિબેન સોલંકી અને શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ વૈશાલી શિંદેએ ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી.
કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, ભાજપના ઈશારે એસઆઈઆર પ્રક્રિયા જેવા બહાના હેઠળ લાખો લોકોના મતાધિકાર રદ કરીને દેશની લોકશાહીને ખતરામાં મૂકવામાં આવી રહી છે. 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી ચાલનારા ‘સેવ ડેમોક્રેસી વીક’ અંતર્ગત રાજકોટના તમામ 18 વોર્ડમાં પણ લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
રેલીના અંતે કોંગ્રેસના આગેવાનોએ સામાન્ય જનતાને હાકલ કરી હતી કે મતાધિકાર એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે. તેથી લોકોએ સ્વયં જાગૃત થઈને પોતાના અને પોતાના પડોશીઓના મતનું રક્ષણ કરવું જોઈએ અને દેશની લોકશાહી બચાવવા માટે આગળ આવવું જોઈએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt