
- ફરિયાદો સાંભળી તાત્કાલિક ગુના નોંધવા સૂચના.
ગીર સોમનાથ, 07 ઓક્ટોબર (હિ.સ.) : કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે આજે વ્યાજખોરોના ત્રાસ અને ગેરકાયદેસર વ્યાજ વસૂલી સામે જનજાગૃતિ તથા ફરિયાદોના નિરાકરણ માટે વિશેષ લોક દરબાર યોજાયો હતો. ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા આ લોક દરબારમાં કોડીનારની જનતાએ ઉપસ્થિત રહી વ્યાજખોરી સંબંધિત પોતાની રજૂઆતો કરી હતી લોક દરબારમાં ડીવાયએસપી ચૌધરી, કોડીનાર પીઆઈ હરિયાણી, પીઆઈ વણારકા, પીઆઈ વાઘેલા સહિત પોલીસ વિભાગની વિવિધ શાખાના પીઆઈ અને પીએસઆઈ ઉપસ્થિત રહ્યા હતા.
લોક દરબાર દરમિયાન વ્યાજખોરી અંગે રજૂ થયેલી ફરિયાદો અને રજૂઆતોને ગંભીરતાથી સાંભળવામાં આવી હતી. એસપી જયદીપસિંહ જાડેજાએ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપી હતી. ગેરકાયદેસર રીતે વ્યાજ વસૂલતા લોકો સામે ફરિયાદ મળ્યે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો દાખલ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરીના કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને આગળ આવી પોતાની ફરિયાદ રજૂ કરવા અપીલ કરવામાં આવી હતી. લોક દરબારના પગલે વ્યાજખોરી સામે પોલીસ તંત્રની કાર્યવાહી વધુ અસરકારક બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે દિનુ સોલંકી, હરિ વિઠલાણી, પિયુષ ડોડીયા, શારદાબેન બાંભણિયા, ઈકબાલ મકલાઈ, ભગુ પરમાર, જીતુ બારડ, અજય પરમાર સહિતના આગેવાનો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ