
જામનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર જિલ્લાના સિક્કા ગામમાં સિગારેટના ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં ઊંચા વળતર અને રકમ બમણી કરવાની લાલચ આપીને અંદાજે રૂ. ૫ કરોડનું ફુલેકું ફેરવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપી નાણાં ઓળવીને ફરાર થઈ જતાં સિક્કા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઠગાઈનો ભોગ બનેલા અન્ય લોકોને જરૂરી પુરાવા સાથે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા સિક્કા પોલીસ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
સિક્કાની પંચવટી સોસાયટીમાં રહેતા અસગરઅલી ગફારભાઇ પીરજાદાએ પોતે શિપિંગ કંપનીમાં નોકરી કરતો હોવાનું અને બહારના સંપર્કોના આધારે સિગારેટનો આયાત-નિકાસનો ધંધો કરતો હોવાની ઓળખ આપી હતી. તેણે આ વેપારમાં મોટો નફો થતો હોવાનું કહી ઓળખીતાઓ તથા સગા-સંબંધીઓને રોકાણ કરવા પ્રેર્યા હતા. વધુ ફંડની જરૂરિયાતનું બહાનું બતાવી તેણે લોકો પાસેથી મોટી રકમો મેળવી હતી.
આ શખ્સે એક ફરિયાદી પાસેથી રૂ. ૧૨ લાખ તેમજ ગામના અન્ય લોકો પાસેથી મળીને કુલ રૂ. ૫ કરોડ જેટલી માતબર રકમ એકઠી કરી લીધી હતી. શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે કેટલાક લોકોને હપ્તા પેટે થોડી રકમ પરત આપી હતી, પરંતુ બાદમાં બાકીની રકમ ઓળવી જઈને તે ગામમાંથી ભાગી છૂટ્યો હતો. હાલ આ સમગ્ર કૌભાંડ અંગે સિક્કા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ ચલાવવામાં આવી રહી છે.
પીઆઈ એન.એમ. ગઢવીના જણાવ્યા મુજબ, આ લોભામણી સ્કીમમાં અન્ય કોઈ વ્યક્તિએ રોકાણ કર્યું હોય અને હજુ સુધી નિવેદન કે ફરિયાદ નોંધાવી ન હોય તો તેઓ આગળ આવે. ભોગ બનનારાઓએ પોતાની પાસે રહેલા બેંક ચેક, લખાણ, બેંક સ્ટેટમેન્ટ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની વિગતો કે અન્ય પુરાવા સાથે સિક્કા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt