જામનગર મહાનગરપાલિકા દ્વારા રૂ. 425 કરોડના મિલકત વેરાની વસૂલાત માટે કડક ઝુંબેશ શરૂ
જામનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા અંદાજે રૂ. 425 કરોડથી વધુ રકમના બાકી વેરાની વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત વર્ષ 2025-26 સુધીના બાકીદારોને નોટિસ, વોરન્ટ અને અનુસૂચિની બજવણી કર્યા બાદ હવે તંત
કોર્પોરેશન


જામનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા અંદાજે રૂ. 425 કરોડથી વધુ રકમના બાકી વેરાની વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત વર્ષ 2025-26 સુધીના બાકીદારોને નોટિસ, વોરન્ટ અને અનુસૂચિની બજવણી કર્યા બાદ હવે તંત્ર દ્વારા રૂબરૂ સંપર્ક કરીને વસૂલાતની કવાયત તેજ કરવામાં આવી છે. શહેરમાં અંદાજે 2.06 લાખ આસામીઓ પાસે વેરો બાકી બોલે છે.

મહાનગરપાલિકા તંત્ર દ્વારા રૂ. 1 લાખથી વધુની બાકી રકમ ધરાવતા અંદાજે 1700 જેટલા મોટા બાકીદારોને લક્ષ્યાંક બનાવીને સીધો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. ગત 1 લી સપ્ટેમ્બરથી શરૂ કરાયેલી આ ખાસ ઝુંબેશ અંતર્ગત હાથ ધરાયેલી તબક્કાવાર કાર્યવાહીના પરિણામે 100 જેટલા આસામીઓએ સ્થળ પર જ બાકી વેરો ભરપાઈ કરી દેતા મનપાને રૂ. 1.27 કરોડની વસૂલાત મળી છે.

બીજી તરફ, વારંવારની સૂચના છતાં વેરો ન ભરનારા બાકીદારો સામે મનપાએ કડક વલણ અપનાવ્યું છે. ઝુંબેશના ભાગરૂપે 12 મિલકતોને સીલ કરવામાં આવી છે, જ્યારે રહેણાંક મિલકતના 5 બાકીદારોના નળ જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકા દ્વારા લીગલ અભિપ્રાય મેળવીને 84 મોટા આસામીઓને નોટિસ આપવામાં આવી છે તેમજ ઓપન પ્લોટ ધારકોને પણ બાકી વેરો સત્વરે ભરપાઈ કરવા તાકીદ કરાઈ છે.

મનપાના રેકોર્ડ મુજબ સરકારી, રેલ્વે અને વિવાદિત મિલકતોને બાદ કર્યા પછી પણ રૂ. 425 કરોડ જેટલી માતબર રકમ મિલકત વેરા પેટે બાકી રહે છે. સમયસર વેરો ન ભરનાર આસામીઓ સામે આગામી દિવસોમાં કાયદેસરની જપ્તી અને સીલિંગ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande