
જામનગર, 07 ઓક્ટોબર (હિ.સ.) :
ગુજરાત સરકાર અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસના સંયુક્ત ઉપક્રમે જામનગરમાં કાર્યરત કરુણા એનિમલ એમ્બ્યુલન્સે સફળતાપૂર્વક ૯ વર્ષ પૂર્ણ કર્યા છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બીમાર તથા ઈજાગ્રસ્ત મુંગા જીવો માટે આ સેવા સંજીવની સમાન સાબિત થઈ રહી છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ ૪.૭૭ લાખથી વધુ પશુ-પક્ષીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.
વર્ષ ૨૦૧૭થી શરૂ થયેલી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા જામનગર શહેરમાં ૩૬૫ દિવસ સવારે ૮ થી રાત્રે ૮ વાગ્યા દરમિયાન સેવા આપીને અત્યાર સુધીમાં ૬૯,૮૫૯ જીવોને સ્થળ પર જ નવજીવન અપાયું છે.
જેમાં છેલ્લા એક વર્ષમાં ૫,૭૭૬ કૂતરા, ૧,૦૮૫ ગાય, ૮૩૮ બિલાડી, ૨૩૯ કબૂતર અને અન્ય ૧૦૬ જીવો મળીને કુલ ૮,૦૪૪ પશુ-પક્ષીઓની સારવાર કરાઈ છે. બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને ઘરઆંગણે જ પશુચિકિત્સા સુવિધા પૂરી પાડવા માટે ૨૦૨૦થી શરૂ કરાયેલા ૨૧ હરતા-ફરતા પશુ દવાખાના સવારે ૮ થી સાંજે ૫ વાગ્યા સુધી સક્રિય રહીને અત્યાર સુધીમાં ૪,૦૭,૯૨૭ પશુઓને સારવાર આપી ચૂક્યા છે.
આ યોજનાથી ગ્રામીણ પશુપાલકોને બીમાર પશુઓને દૂર સુધી લઈ જવાની હાલાકીમાંથી મુક્તિ મળી છે. આમ, કરુણા એમ્બ્યુલન્સ અને હરતા-ફરતા પશુ દવાખાના સંયુક્ત રીતે સમગ્ર જામનગર જિલ્લામાં પશુ રક્ષણ અને સંભાળ માટે અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt