
ક્ચ્છ, 07 ઓક્ટોબર (હિ.સ.) : રોયલ્ટી મર્યાદા કરતાં વધુ ખનીજનો સંગ્રહ સામે કાર્યવાહી, રૂ.51.08 લાખનો દંડ વસૂલવા પ્રક્રિયા હાથ ધરાઈ. પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ સંગ્રહ અને ખનીજ ચોરીની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ તંત્ર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા અબડાસા તાલુકાના રાયધણજર ગામમાં નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે રજીસ્ટર્ડ પ્લોટમાં તપાસ કરતા રોયલ્ટી કરતાં વધુ પ્રમાણમાં બેન્ટોનાઇટનો જથ્થો સંગ્રહિત હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની સૂચના હેઠળ ખનીજ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આ જ કામગીરીના ભાગરૂપે LCBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાદવ અને એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા અબડાસા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.
દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી અને પ્રવિન્દ્રસિંહ ચૌધરીને રાયધણજર ગામમાં આવેલા એક રજીસ્ટર્ડ પ્લોટ અંગે બાતમી મળી હતી. બાતમીમાં જણાવાયું હતું કે, પ્લોટમાં સંગ્રહિત બેન્ટોનાઇટનો જથ્થો મંજૂર રોયલ્ટી કરતાં વધુ હોવાની શક્યતા છે. માહિતીના આધારે LCBની ટીમે ખાણ-ખનીજ કચેરીના કર્મચારીઓને સાથે રાખીને સ્થળ પર સંયુક્ત તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન પ્લોટના દસ્તાવેજો તેમજ ક્લોઝિંગ સ્ટોકની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, સ્થળ પર રોયલ્ટી મર્યાદા કરતાં આશરે 9,595.10 મેટ્રિક ટન વધુ બેન્ટોનાઇટનો જથ્થો ટ્રાન્ઝિટ પાસ વિના સંગ્રહિત હોવાનું જણાયું હતું. સ્થળ પર હાજર અલી અસગર હાલેપોત્રા સામે ખનીજ વિભાગના નિયમો મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહી અંતર્ગત અનધિકૃત રીતે સંગ્રહિત બેન્ટોનાઇટના જથ્થા અંગે કુલ રૂ.51,08,432નો દંડ વસૂલવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છમાં ખનીજના ગેરકાયદેસર સંગ્રહ અને હેરફેર સામે પોલીસ તથા ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત કામગીરીને કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar