


કચ્છ, 07 ઓક્ટોબર (હિ.સ.) : ભુજના મિરઝાપર રોડ પરથી માતાના મઢ તરફ પદયાત્રા કરીને જતા માઈભક્તોની સુવિધા અને સેવા માટે સાંસદ વિનોદ ચાવડાના માર્ગદર્શન હેઠળ ‘માં આશાપુરા સેવા સંકલ્પ’ પદયાત્રી સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આસો નવરાત્રી દરમિયાન માતાના મઢ ખાતે લાખો શ્રદ્ધાળુઓ મા આશાપુરાના દર્શનાર્થે પહોંચતા હોય છે ત્યારે પદયાત્રિકોને માર્ગમાં જરૂરી સુવિધાઓ મળી રહે તે હેતુથી આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છની આરાધ્ય અને કુળદેવી તરીકે પ્રખ્યાત મા આશાપુરાના દર્શન માટે ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને માતાના મઢ પહોંચે છે. ખાસ કરીને જામનગર, રાજકોટ, ભાવનગર તેમજ મુંબઈ તરફથી આવતા માઈભક્તો લાંબી પદયાત્રા કરીને કચ્છમાં પ્રવેશ કરે છે. આવા શ્રદ્ધાળુઓને થાકમાંથી રાહત મળે અને તેમની યાત્રા દરમિયાન જરૂરી મદદ મળી રહે તે માટે મિરઝાપર રોડ પર સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો છે.
આ કેમ્પમાં આ વર્ષે પરંપરાગત ભોજન સાથે મિલેટ આધારિત પૌષ્ટિક ખોરાકને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. લાંબી પદયાત્રા કરતા ભક્તોને ઊર્જા અને પોષણ મળી રહે તે માટે આ પ્રકારના આહારની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ કોઈ પદયાત્રીને તબિયત સંબંધિત તકલીફ ઊભી થાય તો તાત્કાલિક મદદ મળી રહે તે માટે મેડિકલ સેવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દૂરથી આવતા ભક્તો માટે રાત્રિ રોકાણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
કેમ્પના પ્રારંભ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ પદયાત્રિકોને માર્ગની સલામતીનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી હતી. તેમણે રોડની સેફ સાઇડ પરથી ચાલવા તેમજ મોબાઈલ, રોકડ સહિતની કિંમતી ચીજવસ્તુઓની સુરક્ષા જાળવીને સાવચેતીપૂર્વક પદયાત્રા કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિત આગેવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પદયાત્રિકોને શુભેચ્છા પાઠવી હતી અને તેમની માતાના મઢ સુધીની યાત્રા સુખદ, સલામત અને સફળ રહે તેમજ મા આશાપુરાના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar