



કચ્છ, 07 ઓક્ટોબર (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લામાં વિવિધ સ્થળોએ સેવાકીય, સન્માન અને જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અભિયાનના ભાગરૂપે સામખીયારી ખાતે માતાના મઢ તરફ પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે સેવા કેમ્પ યોજાયો હતો, જ્યારે આદિપુર ખાતે માજી સૈનિકોના સન્માન સાથે ‘વીર-ગાથા’ કાર્યક્રમ યોજાયો હતો. બીજી તરફ ભચાઉ અને રાપર તાલુકાની વિવિધ શાળાઓમાં સાયબર ક્રાઈમ અને નશીલા પદાર્થોના દુષણ સામે વિદ્યાર્થીઓ તથા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
માતાના મઢ તરફ ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ આવી રહ્યા છે ત્યારે તેમની સુખાકારી, સુરક્ષા અને માર્ગ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને સામખીયારી ખાતે પોલીસ દ્વારા સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા કેમ્પનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન, રહેવા તેમજ તબીબી સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા પદયાત્રીઓને ટ્રાફિક નિયમોનું પાલન, માર્ગ સલામતી તેમજ પોતાના સામાનની સુરક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, સામખીયારી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ઝાલા સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.
આદિપુર જિલ્લા તાલીમ ભવન ખાતે ગાંધીધામ તાલુકાના માજી સૈનિકોના સન્માન માટે ‘વીર-ગાથા’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 19 માજી સૈનિકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સૈનિકોએ ભારતીય સેનામાં ફરજ દરમિયાન કરેલા સાહસ, સંઘર્ષ અને દેશસેવાના અનુભવો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ડીવાયએસપી ડી.આર. ભાટીયા, પીઆઈ એમ.સી. વાળા, નિવૃત્ત કર્નલ જશવંતસિંહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ લગધીરગઢ પ્રાથમિક શાળા, વસટવા માધ્યમિક શાળા અને ઉમૈયા માધ્યમિક શાળામાં સાયબર સુરક્ષા તથા નાર્કોટિક્સ ડ્રગ્સ અંગે સેમિનાર યોજાયા હતા. સાયબર છેતરપિંડીથી બચવા 1930 હેલ્પલાઇન અને સંબંધિત સરકારી પોર્ટલો અંગે માહિતી અપાઈ હતી. નશીલા પદાર્થોના દુષણ સામે 1933 તથા 1908 હેલ્પલાઇન અંગે પણ સમજ આપવામાં આવી હતી. સમગ્ર અભિયાન દરમિયાન 750થી વધુ લોકોને વિવિધ મુદ્દે માહિતગાર કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar