
પાટણ, 07 ઓક્ટોબર (હિ.સ.)હારીજ ST ડેપોમાં કેશિયર તરીકે ફરજ બજાવતા 54 વર્ષીય મહેન્દ્રસિંહ ઘેમરજી ઠાકોરનું ફરજ દરમિયાન હાર્ટ એટેકથી અચાનક અવસાન થયું હતું. મૂળ ઊંઝા તાલુકાના ટૂંડાવ ગામના વતની મહેન્દ્રસિંહ ઠાકોર બુધવારે સવારે ફરજ પર હતા ત્યારે આશરે 11:30 વાગ્યે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. ઘટનાને પગલે ડેપોના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.
સ્ટાફના કર્મચારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ મારફતે મહેન્દ્રસિંહને સારવાર માટે હારીજ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમની વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. જોકે, ધારપુર પહોંચે તે પહેલાં જ રસ્તામાં તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ ધારપુરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મહેન્દ્રસિંહ ઠાકોર છેલ્લા 30 વર્ષથી હારીજ ST ડેપોમાં કેશિયર તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને નિવૃત્તિમાં હજુ ચાર વર્ષ બાકી હતા. લાંબા સમયથી એક જ ડેપોમાં સેવા આપતા કર્મચારીના અચાનક અવસાનના સમાચારથી ST ડેપોના સ્ટાફમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. તેમની સેવા અને સહકર્મચારીઓ સાથેના સંબંધોને યાદ કરી કર્મચારીઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ