
રાજકોટ, 07 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના કોઠારીયા રીંગરોડ પર આવેલ સહજાનંદ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા 'ચામુંડા કલર કોટિંગ' નામના કારખાનામાં ગઈકાલે સાંજે શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની જાણ થતાં જ કોઠારીયા અને બેડીપરા ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં આશરે રૂ. ૨ લાખનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જ્યારે ફાયર બ્રિગેડની સતર્કતાથી રૂ. ૩ લાખથી વધુની મત્તા બચાવી લેવામાં આવી હતી અને સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.
આગની ઘટના અંગે સ્થાનિક નાગરિક સાગરભાઈ દ્વારા ફાયર બ્રિગેડને તાત્કાલિક કંટ્રોલ રૂમ પર જાણ કરવામાં આવી હતી. કાલ મળતા જ સ્ટેશન ઓફિસર પી.પી. ચુડાસમાની આગેવાની હેઠળ કોઠારીયા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી, તેમજ સ્થિતિની ગંભીરતા જોતા બેડીપરા ફાયર સ્ટેશનથી પણ વોટર બાઉઝર સાથે વધારાની ટીમ બોલાવવામાં આવી હતી. ફાયર ટીમે ટેરેસ પરથી અને ફેક્ટરીની અંદરથી પાણીનો મારો ચલાવી દોઢ કલાકની કામગીરી બાદ આગને ઓલવી લીધી હતી અને આસપાસના અન્ય કારખાનાઓમાં પ્રસરાતી અટકાવી હતી.
કારખાનામાં સ્ટીલ, મેટલ અને એલ્યુમિનિયમના પ્રોડક્શન પર કલર કોટીંગનું કામ ચાલતું હોવાથી અંદર મોટા પ્રમાણમાં કેમિકલ, કલર અને થિનરના ડબ્બા રાખેલા હતા. આગની તીવ્રતા વધતાં કલર અને થિનરના ડબ્બાઓ ધડાકાભેર ફાટવા લાગ્યા હતા, જેના કારણે આગ પાછળના ભાગે અને ગલીના નેવેરા સુધી પ્રસરી ગઈ હતી. આ ભયાનક આગમાં ઈલેક્ટ્રિક વાયરિંગ, ફર્નિચર, મશીનરી તેમજ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરનું પતરાનું છાપરું તૂટી પડ્યું હતું અને દીવાલોને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.
કારખાનાના માલિક લાલજીભાઈ ઘનશ્યામભાઈ ચાવડાના જણાવ્યા અનુસાર, આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. આ બચાવ કામગીરીમાં ફાયર ટીમના અનિલભાઈ, જયસુખભાઈ, જુબેરભાઈ, વિક્રમભાઈ, ગોવિંદભાઈ, ભુવનેશભાઈ, યોગેશભાઈ તથા ડ્રાઈવર અમૃતભાઈ, પ્રતાપભાઈ અને જાગીરગિરી સહિતના કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી કરી મોટી હોનારત ટાળી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt