રાજકોટમાં નવરાત્રીને લઈ જાહેરનામું : રાત્રે ૧૨ વાગ્યા પછી સ્પીકર વગાડવા પર મનાઈ
રાજકોટ, 07 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં આગામી નવરાત્રીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણને જાળવી રાખવાના હેતુથી રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક વિશેષ અને મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
રાજકોટ પોલીસ કમિશનર


રાજકોટ, 07 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટમાં આગામી નવરાત્રીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને શહેરના શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણને જાળવી રાખવાના હેતુથી રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક વિશેષ અને મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત આગામી દિવસોમાં યોજાનારા ગરબા મહોત્સવ દરમિયાન લાઉડ સ્પીકર અને અન્ય વાજીંત્રોના ઉપયોગ માટે ચોક્કસ સમય મર્યાદા અને કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તમામ વિસ્તારોમાં આ આદેશનો ચુસ્તપણે અમલ કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે.

નવા જાહેરનામા મુજબ નવરાત્રીના તહેવાર દરમિયાન રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર તથા અન્ય ધ્વનિ સાધનો વગાડી શકાશે. તારીખ ૬ ઓક્ટોબરથી ૧૦ ઓક્ટોબર સુધી સવારે ૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી મંજૂરી રહેશે, જ્યારે નવરાત્રીના મુખ્ય દિવસો એટલે કે ૧૧ ઓક્ટોબરથી ૨૦ ઓક્ટોબર દરમિયાન સવારે ૬:૦૦ થી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી જ સ્પીકર વગાડવાની છૂટ આપવામાં આવી છે. રાત્રે ૧૨ વાગ્યા પછી કોઈપણ સંજોગોમાં જાહેરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા સાધનો વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

જાહેર સ્થળો પર અવાજનું પ્રદૂષણ અટકાવવા માટે સંબંધિત અધિકૃત અધિકારીની આગોતરી લેખિત પરવાનગી મેળવવી ફરજિયાત બનાવવામાં આવી છે. જોકે, ઓડિટોરીયમ, કોન્ફરન્સ હોલ કે ખાનગી મકાનો જેવા બંધ સ્થળોએ યોજાતા ધાર્મિક કે સામાજિક કાર્યક્રમો માટે કોઈ વિશેષ મંજૂરીની જરૂર રહેશે નહીં. આવા બંધ સ્થળોએ મ્યુઝિક વગાડી શકાશે, પરંતુ અવાજની તીવ્રતા પરિસરની બહાર ન જાય અને આસપાસના લોકોને તકલીફ ન પડે તેની ખાસ કાળજી આયોજકોએ રાખવાની રહેશે.

તહેવારો દરમિયાન શાંતિ અને સુમેળ જળવાઈ રહે તે માટે પૂર્વ મંજૂરી વિના કોઈપણ જાહેર રસ્તા કે જગ્યા પર ૪ થી વધુ વ્યક્તિઓના ભેગા થવા, જાહેર સભા બોલાવવા કે સરઘસ કાઢવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કોઈ વિશેષ કિસ્સામાં સભા, રેલી કે ધરણાંનું આયોજન કરવાનું હોય તો એકથી વધુ પોલીસ સ્ટેશન વિસ્તાર માટે ડીસીપી અને એક પોલીસ સ્ટેશન વિસ્તાર માટે પીઆઈને ઓછામાં ઓછા ૭ દિવસ અગાઉ લેખિત અરજી કરી પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે.

પોલીસ કમિશનરના આ આદેશો અથવા ધ્વનિ મર્યાદાના નિયમોનો અનાદર કરનાર સામે પોલીસ વિભાગ દ્વારા અત્યંત કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. નિયમોનો ભંગ કરનારા આયોજકો કે સંચાલકોના વાહનો, માઈક સિસ્ટમ અને સંબંધિત તમામ સાધનો જપ્ત કરવાની સત્તા પોલીસ અધિકારીઓને સોંપવામાં આવી છે. જાહેરનામાના અમલીકરણ માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના હોદ્દા ધરાવતા તમામ અધિકારીઓ ગુનો નોંધી કાયદેસરની ફરિયાદ દાખલ કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande