

પોરબંદર, 07 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં સરકારના મિશન
અંતર્ગત વીજ વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત, સુરક્ષિત અને આધુનિક બનાવવા પીજીવીસીએલની વીજ લાઈનોને તબક્કાવાર
અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીને ઝડપ આપવા આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીના
આયોજન અને સંકલન માટે પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીના
અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકા તથા પીજીવીસીએલના અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
હતી.
આ બેઠકમાં મહાનગરપાલિકા વિસ્તારમાં હાલની વીજ લાઈનોની સ્થિતિ, અંડરગ્રાઉન્ડ કેબલ માટે જરૂરી વિસ્તારો, સ્ટ્રીટલાઈટની વીજ વ્યવસ્થા તેમજ
કામગીરી દરમિયાન જરૂરી સંકલન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં વીજ
લાઈનોને અંડરગ્રાઉન્ડ કરવાથી વીજ વ્યવસ્થા વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનવાની
સાથે શહેરની સુંદરતા અને જાહેર માર્ગોની વ્યવસ્થામાં પણ સુધારો થશે. બેઠકમાં
મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીરથાણીએ મહાનગરપાલિકા વિસ્તારમાં પીજીવીએસીએલની વીજ
લાઈનોને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી માટે જરૂરી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરી
કામગીરી ઝડપથી શરૂ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ખાસ કરીને સ્ટ્રીટલાઈટ માટે
જ્યાં હાફ વાયર સહિતની જરૂરી સુવિધા ઉપલબ્ધ નથી તેવા વિસ્તારોની ઓળખ કરી તાત્કાલિક
સર્વે પૂર્ણ કરવા અને તેના આધારે જરૂરી આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી હતી.
મહાનગરપાલિકા વિસ્તારમાં વીજ લાઈનો અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી દરમિયાન માર્ગો
અથવા અન્ય જાહેર જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવે ત્યારે કામગીરી પૂર્ણ થયા બાદ
સંબંધિત સ્થળે યોગ્ય રીતે લેવલીંગ કરવામાં આવે અને જાહેર જનતાને અવરજવરમાં
મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તકેદારી રાખવા પીજીવીએસીએલના અધિકારીઓને સૂચના
આપવામાં આવી હતી. ખોદકામ બાદ સ્થળને પૂર્વવત્ સ્થિતિમાં લાવવાની કામગીરી પણ સમયસર
પૂર્ણ થાય તે અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં મહાનગરપાલિકાના નાયબ
મ્યુનિસિપલ કમિશનર કિશન બી. ગરસર તથા મનન ચતુર્વેદી, પીજીવીએસીએલના અધિક્ષક ઇજનેર બી.એમ. પટેલ, કાર્યપાલક ઇજનેર યુ. સી. સુતરિયા, પોરબંદર મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિક
કમિટીના ચેરમેન નીરવ દવે,
મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક શાખાના
ઇજનેર અજીત દાસા, કિશોર કેશવાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત
રહ્યા હતા.
મહાનગરપાલિકા અને પીજીવીએસીએલ વચ્ચે વધુ સારા સંકલન સાથે અંડરગ્રાઉન્ડ
વીજ લાઈનની કામગીરી આગળ ધપાવવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરી સર્વે અને
ટેકનિકલ કામગીરી પૂર્ણ થયા બાદ તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya