
પાટણ, 07 ઓક્ટોબર (હિ.સ.) : ચાણસ્મા તાલુકાની મીઠીઘારીયાલ સેવા સહકારી મંડળીમાં ₹1.35 કરોડથી વધુની નાણાકીય ઉચાપત કેસમાં પાટણ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે. મંડળીના પૂર્વ મંત્રી કીર્તીકુમાર પટેલને મેજિસ્ટ્રેટ કોર્ટે ફટકારેલી બે 3-3 વર્ષની સજાઓ હવે એકસાથે ભોગવવાનો આદેશ કરાયો છે.
વર્ષ 2018થી 2023 દરમિયાન મંત્રી તરીકે ફરજ બજાવતા કીર્તીકુમાર પટેલ પર હોદ્દાનો દુરુપયોગ કરી મંડળીની ₹1,12,63,660ની રોકડ અને ₹22,63,779નું વ્યાજ મળી કુલ ₹1,35,27,431ની રકમ અંગત ઉપયોગમાં વાપરવાનો આરોપ હતો. હિસાબી ચોપડાઓમાં ગેરરીતિ અને ખોટી નોંધો અંગે ચાણસ્મા પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી ચાર્જશીટ રજૂ કરી હતી.
12 માર્ચ 2025ના રોજ ચાણસ્મા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીને દોષિત ઠેરવી નાણાકીય વિશ્વાસઘાત અને હિસાબી ગેરરીતિના ગુનામાં 3-3 વર્ષની સખત કેદ તથા બંને કેસમાં ₹5-5 હજારનો દંડ ફટકાર્યો હતો. બંને સજાઓ એક પછી એક ભોગવવાનો હુકમ થતાં કુલ 6 વર્ષની જેલ થવાની હતી.
આ હુકમ સામે એડવોકેટ એમ. વી. પટેલ મારફતે પાટણ સેશન્સ કોર્ટમાં અપીલ કરાઈ હતી. સેશન્સ જજ એચ. એસ. મુલિયાએ દોષસિદ્ધિ યથાવત રાખી, પરંતુ એક જ ઘટનાથી જોડાયેલા ગુનામાં બંને સજાઓ એકસાથે ભોગવવાનો આદેશ કર્યો છે. પરિણામે આરોપીની કુલ જેલ સજા 6 વર્ષથી ઘટીને 3 વર્ષ થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ