


પાટણ, 07 ઓક્ટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાટણ APMC માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા કક્ષાનો ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ અને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ કાર્યક્રમ યોજાયો હતો. નવી દિલ્હીથી પ્રધાનમંત્રી મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કરી ‘વિકસિત ભારત @ 2047’ના નિર્માણ માટે નાગરિકોને સામૂહિક સંકલ્પ લેવડાવ્યો હતો.
રાજ્યમંત્રી કૌશિક વેકરિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો સાથે વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું. ગુજરાતની વિકાસગાથા દર્શાવતી ડોક્યુમેન્ટ્રી રજૂ કરવામાં આવી હતી. વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓએ યોજનાઓથી મળેલા લાભ અંગે પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા.
કાર્યક્રમ દરમિયાન APMC માર્કેટ યાર્ડ ખાતે ત્રણ પવિત્ર જ્યોત પ્રજ્વલિત કરી ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’નો પ્રારંભ કરાયો હતો. યાત્રા પાટણ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ રોટલીયા હનુમાન મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં તેનું સમાપન કરવામાં આવ્યું હતું.
રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતથી શરૂ થયેલી નરેન્દ્ર મોદીની જનસેવાની યાત્રા આજે દેશના વિકાસની સફર બની છે. આ પ્રસંગે જનધન, ઉજ્જવલા, આયુષ્માન ભારત અને PM-KISAN સહિતની વિવિધ યોજનાઓથી થયેલા સામાજિક અને આર્થિક પરિવર્તનની વિગતો પણ રજૂ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ. પ્રશાંત જિલોવા, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, લવિંગજી ઠાકોર, પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર, APMC ચેરમેન સ્નેહલ પટેલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ