
રાજકોટ, 07 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત સેવાસેતુ ૨.૧ કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોને ઘરઆંગણે જ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો ત્વરિત લાભ આપવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ ૩,૮૧૫ અરજીઓ પ્રાપ્ત થઈ હતી. વહીવટી તંત્ર દ્વારા તમામ રજૂઆતોનો સ્થળ પર જ ૧૦૦ ટકા સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન મહેસૂલ અને પંચાયત વિભાગ દ્વારા જમીન સંબંધિત સાત-બાર અને આઠ-અના ૧,૨૯૩ પ્રમાણપત્રો તેમજ મિલકત આકારણીના ૨૭૯ ઉતારા આપવામાં આવ્યા હતા. સ્થાનિક ગ્રામજનોને જમીન અને મિલકતના દસ્તાવેજો સ્થળ પર જ મળી જતાં સમય અને નાણાંની બચત થઈ હતી.
આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેમાં ડીવર્મીંગના ૧,૧૨૩ કેસની તપાસ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓની તપાસ કરી ૯૧૮ હેલ્થ વેલનેસ કાર્ડનું વિતરણ, ૨૫ દર્દીઓને દવાઓ તથા ૧૯ પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર કરવામાં આવી હતી.
આ ઉપરાંત જનકલ્યાણની વિવિધ યોજનાઓ હેઠળ નમોશ્રી યોજનાની ૫૭, પીએમજેવાયની ૫૫, બાળકોના આધાર કાર્ડની ૩૧ અને ફ્રી શીપ કાર્ડની ૪ અરજીઓ લેવાઈ હતી. સાથોસાથ કુંવરબાઈનું મામેરું અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ નાગરિકોને લાભ પહોંચાડાયા હતા. તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની આગેવાની હેઠળ તમામ વિભાગના કર્મચારીઓએ સેવાઓ પૂરી પાડી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt